ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
સ્ટાર પ્લસની પૉપ્યુલર સિરિયલ ‘અનુપમા’ના ઘરમાં ડ્રામા ખતમ જ નથી થતો. લાંબા સમય બાદ અનુપમા ખુશ છે, પરંતુ તેની ખુશીને કોઈની નજર લાગી જાય છે. એક તરફ પાખી અનુપમાની નજીક આવે છે તો પારિતોષ તેનાથી દૂર થવાનો છે. પાછળના એપિસોડમાં તમે જોયું કે કાવ્યા પાખીને દગો આપે છે અને ત્યાંથી ગાયબ થઈ જાય છે. પાખી તેને સતત ફોન કરતી રહે છે, પરંતુ તે ફોન ઉપાડતી નથી અને રડવા લાગે છે. અનુપમા પાખીની મદદ કરે છે અને બંને સાથે ડાન્સ પર્ફોર્મન્સ કરે છે અને જીતી પણ જાય છે. જેને લીધે શાહ પરિવાર ખુશ થઈ જાય છે. આગળ તમે જોશો કે કાવ્યા આ બધું જોઈને જલી ઊઠે છે. પરંતુ અનુપમાં તેની ઉદારતા બતાવશે અને કાવ્યા સાથે તેની ટ્રૉફી શૅર કરશે. વનરાજ વિચારશે કે કાવ્યાએ પાખીને દગો કેમ આપ્યો? પૂરો પરિવાર પણ કાવ્યાથી નારાજ થશે.
કાર્યક્રમ પછી પૂરો પરિવાર ઘરે પહોંચશે અને ઘરે પહોંચતાંની સાથે જ વનરાજ કાવ્યા ઉપર ગુસ્સો કરશે અને પૂરા પરિવારની સામે તેને ખરીખોટી સંભળાવશે. પરિવારના બીજા સભ્યો પણ તેની ભૂલ બતાવશે. કાવ્યાની બોલતી બંધ થઈ જશે. પાખીનો ભરોસો પણ કાવ્યા ઉપરથી ઊઠી જશે અને તેની માતાની નજીક આવી જશે. આ બધાની વચ્ચે જ્યાં મુસીબત ટળી ગઈ હતી ત્યાં હવે અનુપમાની સામે એક નવી મુસીબત આવવાની છે. પારિતોષનો નવો ડ્રામા શરૂ થશે. આવનાર એપિસોડમાં પારિતોષ અનુપમા-વનરાજની સામે નવી ડિમાન્ડ કરશે. જેને કારણે શાહ પરિવારમાં હંગામો નક્કી જ છે. વનરાજ અને પારિતોષની વચ્ચે ઉગ્ર બોલાચાલી થશે. વનરાજ પારિતોષની ડિમાન્ડ સાંભળીને ચિડાઈ જશે. બંને વચ્ચે થઈ રહેલી તૂ તૂ- મૈં મૈંની વચ્ચે વનરાજ પારિતોષને ઘરની લોન પરત કરવા માટે કહેશે. હવે એ જોવાનું મજેદાર રહેશે કે બાપ-દીકરાની લડાઈમાં અનુપમા અને પરિવાર પર એની શું અસર પડે છે.