ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ કેન્દ્ર સરકારે છેવટે કોરોના દર્દીના ડેથ સર્ટિફિકેટ અને ભરપાઈને લઈને નવા નિયમ જાહેર કર્યા છે. જે મુજબ કોરોના પૉઝિટિવ મળી આવવાની તારીખથી આગામી 30 દિવસાં દર્દી ઘરે અથવા હૉસ્પિટલમાં ગમે ત્યાં મૃત્યુ પામે છે તો તેને કોરોનાનો ભોગ બનેલો દર્દી માનવામાં આવશે. આ દર્દીના ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનું કારણ નોંધવામાં આવશે. દર્દી 30 દિવસ બાદ પણ હૉસ્પિટલમાં અથવા કોરોના સેન્ટરમાં દાખલ હશે અને તેનું મૃત્યુ થયું તો તેને પણ કોરોનાનો ભોગ જ માનવામાં આવશે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ માહિતી આપી હતી. કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીના પરિવારને ભરપાઈ આપવાનો મુદ્દો કોર્ટમાં આવ્યો હતો. એના પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે ડેથ સર્ટિફિકેટમાં કોરોનાને લઈને ચોક્કસ કોઈ નિયમ બનાવ્યો ન હોવાનું કહેતાં કોર્ટ ઉશ્કેરાઈ ગઈ હતી. કોરોનાની ત્રીજી લહેર આવીને જતી રહેશે, પણ તમારાથી કંઈ થશે નહીં એવી ટિપ્પણી પણ કોર્ટે કરી હતી.
ડેથ સર્ટિફિકેટ અને ભરપાઈનો નિર્ણય લેવા મટે દરેક જિલ્લામાં એક સમિતિ હશે, જેમાં વરિષ્ઠ પ્રશાસકીય અધિકારી અને મેડિકલ ઑફિસર હશે. આ સમિતિની મંજૂરીથી ડેથ સર્ટિફિકેટ આપવામાં આવશે. જો કોરોનાને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના ડેથ સર્ટિફિકેટ પરના કારણ સામે પરિવારને આક્ષેપ હશે તો એવા પ્રકરણમાં જિલ્લા સ્તરે સમિતિ નિર્ણય લેશે. આ સમિતિ 30 દિવસમાં આવી ફરિયાદનો નિકાલ લાવશે.
જો કોરોનાના દર્દીનું મોત ફૂડ-પોઇઝન, આત્મહત્યા, હત્યા અથવા અન્ય કોઈ દુર્ઘટનામાં થશે તો તેને જોકે કોરોના બળી એટલે કે કોરોનાનો ભોગ બનેલો માનવામાં આવશે નહીં. આવા મૃત્યુમાં જો દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો હશે તો પણ તેમને કોરોનાનો ભોગ બનેલો માનવામાં આવશે નહીં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.