ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
આજે સવારે ઇન્કમ ટૅક્સ (IT)ની ટીમે દૈનિક ભાસ્કરનાં કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા. આ ટીમ પ્રેસ કૉમ્પ્લેક્સ સહિત બીજા છ સ્થળોએ કાર્યવાહી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા વિભાગની સાથે સ્થાનિક પોલીસ પણ આ કાર્યવાહીમાં જોડાઈ છે. વિભાગની દિલ્હી અને મુંબઈની ટીમ દ્વારા સમગ્ર સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
એવું માનવામાં આવે છે કે ભાસ્કર અખબારે કોરોના સહિતના અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઉઘાડી પાડી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે આજે સંસદમાં વિપક્ષોએ પણ ભારે હોબાળો કર્યો હતો. રાજ્યસભામાં ભાસ્કર ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા સામે વિરોધ પક્ષના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ બપોરે બે વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. આ પછી કાર્યવાહી શરૂ થઈ, પરંતુ ફરી ભારે હોબાળો થતાં ગૃહને આવતી કાલ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. લોકસભામાં પણ આવાં જ દૃશ્યો જોવા મળ્યાં હતાં.
CETને કારણે આ વખતે પણ જુનિયર કૉલેજ મોડી શરૂ થશે; બાળકોને અભ્યાસમાં નુકસાન થવાની વાલીઓને ભીતિ
ઉલ્લેખનીય છે કે વિભાગની ટીમો દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સ્થિત ભાસ્કર ગ્રુપની ઑફિસો પર પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સહિત બીજા નેતાઓએ પણ આ અંગે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.