ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
કોરોનાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે દસમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓને નવમા ધોરણના ગુણ અને ઇન્ટરનલ એસેસમેન્ટને આધારે પરિણામ આપવામાં આવ્યું હતું. આ પરિણામ સાથે અસંતુષ્ટ વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે સરકારે કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET)નો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે આ પરીક્ષાને કારણે આ વખતે પણ જુનિયર કૉલેજ મોડી શરૂ થશે એ સ્પષ્ટ છે.
હવે વાલીઓને ભીતિ છે કે જો કૉલેજો મોડી શરૂ થશે તો એની અસર બાળકોના ભણતર ઉપર પણ પડી શકે છે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ CET ૨૧ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ લેવાશે. CET આપનાર વિદ્યાર્થીઓને પ્રાધાન્ય મળવાનું હોવાથી આ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ જ પ્રવેશપ્રક્રિયા શરૂ થશે એ સ્પષ્ટ છે.એથી એક વાત સ્પષ્ટ છે કે અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે હજી દિલ્હી ખૂબ દૂર છે અને કૉલેજ શરૂ થતાં ન્યુનતમ ત્રણ મહિનાનો સમય લાગશે તેવી શક્યતા છે.
વાલીઓનો એક વર્ગ કહે છે આ વિલંબને કારણે કૉલેજો ઉપર પણ પૉર્શન પૂરું કરવાનું ભારણ આવશે અને સરવાળે એની અસર ભણતરની ગુણવત્તા ઉપર પણ થઈ શકે છે. માત્ર ૬-૭ મહિનામાં કૉલેજો આખા વર્ષનો અભ્યાસ કઈ રીતે પૂરો કરશે એ પણ એક મોટો સવાલ વાલીઓ અને વિદ્યાર્થીઓનાં મનમાં છે.