ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
આજથી સંસદનું નવું સત્ર શરૂ થશે અને આવતીકાલે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. જોકે આ વખતે સંસદમાં ખાસ કોરોના પ્રોટોકોલ ના પાલન સાથે દરેક કામગીરી કરવામાં આવશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ FM સીતારામન દ્વારા પેપરલેસ ફોર્મેટમાં રજૂ કરશે.
સંસદનું બજેટ સત્ર આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના સંબોધન સાથે શરૂ થયુ છે. હવે આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.
જોકે આ વર્ષે બજેટ કોરોના સંકટના કારણે 2 તબક્કામાં રહેશે. પહેલો તબક્કો 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો રહેશે અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. 12 અને 13 માર્ચે રજા રહેશે. જેમાં સ્થાયી સમિતિ મંત્રાલયો માંગણીની તપાસ કરશે અને તેના પર એક રિપોર્ટ બનાવશે.
બજેટ સત્રના પહેલા ભાગમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચા થશે. એ સાથે જ બજેટ પર સામાન્ય ચર્ચા થશે. ધન્યવાદ પ્રસ્તાવ માટે ચાર દિવસ રહેશે, જેમાં 2, 3, 4 અને 7 ફેબ્રુઆરીએ તેના પર ચર્ચા થશે. બજેટ રજૂ કર્યા બાદ પહેલા ભાગ વખતે 2 થી 11 ફેબ્રુઆરીમાં અલગ અલગ પ્રશ્નો તેમજ ગેર સરકારી કાર્યો પર ચર્ચા, ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા અને કેન્દ્રીય બજેટ પર સામાન્ય ચર્ચા માટે 40 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું એલાન- આજે દેશભરનાં ખેડૂતો ઉજવશે ‘વિશ્વાસઘાત દિવસ’, જણાવ્યું આ કારણ..
બજેટની રજૂઆતનું લોકસભા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. બજેટ 2022 લોકસભા અને રાજ્યસભામા 1લી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે રજૂ થશે. બજેટની રજૂઆતનો સમયગાળો 90 થી 120 મિનિટ સુધીનો હોઈ શકે છે. જો કે, 2020 માં સીતારમણે ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું જે લગભગ 160 મિનીટ ચાલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકસભા કક્ષ અને સંસદ ભવન પરિસરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસટન્સના માપદંડોને સુનિશ્ચિત કરવા લોકસભા ચેંબર 282, લોકસભા ગેલરી 148, રાજ્યસભા ચેંબર 60, રાજ્યસભા ગેલરી 51 ની ગણતરીને ધ્યાનમાં રાખી સીટો આપવામાં આવી છે. સંસદ સદસ્યો અને અન્ય વિઝિટર્સ માટે પરિસરમાં વેક્સિનેશન અને પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે બજેટ સત્ર વખતે કોઈ પણ વિઝિટરને કાર્યવાહી જોવાની મંજૂરી આપવામાં નથી આવી.