ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ અને અજીમ પ્રેમજી ફાઉન્ડેશને મળી ભારતમાં કોરોના મહામારીના સંકટને પહોંચી વળવા માટે રૂ. ૧,૧૨૫ કરોડ ફાળવ્યા છે. વિપ્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે “આ સંસાધન મહામારી સામે લડવા ફ્રન્ટ લાઇનમાં અને તેની વ્યાપક માનવ અસરને ઘટાડવામાં સમર્પિત ચિકિત્સકો અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરશે.”
આ રકમમાં વિપ્રોની ૧૦૦ કરોડ રૂપિયા, વિપ્રો એન્ટરપ્રાઇઝિસ ૨૫ કરોડનું દાન આપશે અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન રૂ. ૧૦૦૦ કરોડનું યોગદાન આપશે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે ફાળો વિપ્રોની વાર્ષિક CSR પ્રવૃત્તિઓ ઉપરાંત અજીમ પ્રેમજી ફાઉન્ડેશનના સામાન્ય પરોપકારી ખર્ચમાંથી આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે એ કોરોનાની મહામારી અને દર્દીઓની સારવાર માટેના વિશિષ્ટ ક્ષેત્રોમાં ગ્રાઉન્ડ રિસ્પૉન્સ માટે "ઇન્ટિગ્રેટેડ ઍક્શન" લઈ શકશે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની ૧૬૦૦ લોકોની ટીમ તેના ૩૫૦થી વધુ મજબૂત સિવિલ સોસાયટીના ભાગીદારો સાથે મળીને સરકારી સંસ્થાઓ સાથે સંકલન કરશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ તાતા સન્સ અને તાતા ટ્રસ્ટ દ્વારા ૧૫૦૦ કરોડ રૂપિયાની મદદ પીએમ કેર્સ ફંડમાં કરવામાં આવી હતી. રિલાયન્સ, પેટીએમ, અદાની, એલએન્ડટીએ પણ દેશને આ મહામારીના કપરા કાળમાં નોંધપાત્ર મદદ કરી હતી.