ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
ભારતીય રેલવેનું હાલનું ઑનલાઇન ટિકિટ રૅકેટ પાકિસ્તાનથી કાર્યરત છે. એક મીડિયા અહેવાલ અનુસાર હાલમાં 'ડેલ્ટા પ્લસ' નામના સૉફ્ટવેરનો ઉપયોગ રેલવે ટિકિટ બુક કરવા માટે થઈ રહ્યો છે. આ સૉફ્ટવેરનું સંચાલન કરનારા પાકિસ્તાનમાં બેસીને આ કાર્ય કરી રહ્યા છે. ગયા વર્ષે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ખુલાસો કર્યો હતો કે રેલવેટિકિટ દલાલીનું રૅકેટ સાઉદી અરેબિયામાંથીઑપરેટ થતું હતું.
આવા સૉફ્ટવેરથી બુક કરાયેલી ટિકિટોનું બજાર આખા દેશમાં ફેલાયેલું છે અને એની સાથે મોટી સંખ્યામાં નાના ટિકિટ બ્રોકર સંકળાયેલા છે. સૌથી મોટું આશ્ચર્ય એ પણ છે કે દેશભરમાં ફેલાયેલા એજન્ટો મુસાફરો બનીને ટિકિટ દલાલો સામેના કડક નિયમોનો વિરોધ શરૂ કરે છે. એટલે કેરેલવેના તમામ પગલાંઓને મુસાફરોની મુશ્કેલી ગણાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા સૉફ્ટવેર અને એની સાથે સંકળાયેલા ટિકિટ બ્રોકરો સામે રેલવે તરફથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ દર વખતે એક સૉફ્ટવેર પર પ્રતિબંધ મૂક્યા પછી, દલાલો દ્વારા બીજો સૉફટવેર તૈયાર કરવામાં આવે છે.
IRCTC હવે આ બદલ નવી યોજના પર કામ કરી રહ્યું છે.RPFએ ટિકિટ બ્રોકરો પર કડક કાર્યવાહી કરવા રેલવેને અનેક સૂચનો આપ્યાં છે.એમાં ઑનલાઇન ટિકિટ બુકિંગ માટે આધારકાર્ડ, પેનકાર્ડ અથવા પાસપૉર્ટ જેવા ઓળખકાર્ડને લિન્ક કરવાની સૂચના સામેલ છે. IRCTC દ્વારા આ યોજના પર પણ કામગીરી કરવામાં આવી રહી છે. વધુ ઑનલાઇન બુકિંગ માટે સેન્ટ્રલ ID કાર્ડની જરૂર પડી શકે છે. આની મદદથી, ફક્ત તે જ લોકો ટિકિટ બુક કરાવી શકશે જે ખરેખર મુસાફરો હશે.