ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
કેન્દ્રની મોદી સરકારની બીજી મુદતમાં પ્રથમ વખત વિસ્તરણ બુધવારે થયું હતું. ગઈકાલે ૪૩ પ્રધાનોએ પદ માટેના શપથ લીધા હતા. આ વખતે કૅબિનેટમાં ૩૬ નવા ચહેરાને તક આપવામાં આવી છે. આ સાથે મહિલાઓની ભાગીદારી પણ મોદી સરકારમાં વધી છે. આ વખતે મંત્રીમંડળમાં કુલ ૧૧ મહિલા પ્રધાનોને મહત્ત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે.
આ વખતે ઝારખંડના સાંસદ અન્નપૂર્ણાદેવીને શિક્ષણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યાં છે. ત્રિપુરાના સાંસદ પ્રતિમા ભૌમિકને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં રાજ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે, તો ડૉ. ભારતી પવાર જે મહારાષ્ટ્રના ડિંડોરીથી સાંસદ છે, તેમને મહિલા બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે નિયુક્ત કરાયાં છે.
FD ઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો સામાન્ય લોકોને લાગુ નહિ પડે; RBIએ કરી આ સ્પષ્ટતા, જાણો વિગત
આ ઉપરાંત દિલ્હીનાં સાંસદ મીનાક્ષી લેખીને વિદેશ અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યાં છે. જ્યારે અનુપ્રિયા પટેલને વાણિજ્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્ણાટકના ઉડુપીથી સાંસદ શોભા કરાંદલાજેને કૃષિ વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને ગુજરાતના દર્શા જરદોશ રેલ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ મહિલાઓએ શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદની એક તસવીર શૅર કરી છે જેમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને સ્મૃતિ ઈરાની સાથે તમામ નવી મહિલા પ્રધાનો છે.