દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના 403 નવા દર્દીઓ નોંધાયા છે અને હાલમાં ભારતમાં 5026 સક્રિય દર્દીઓ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રએ કેટલાક રાજ્યોમાં કોરોના પોઝિટિવ કેસના દરમાં વધારા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તેને નિયંત્રિત કરવાની તાતી જરૂર છે અને વહીવટીતંત્રને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. નીતિ આયોગે ભીડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના બહારના વિસ્તારોમાં ખેડૂતોની લોંગ માર્ચ અટકી, સરકાર તમામ માંગણીઓ સ્વીકારે ત્યાં સુધી રાહ જોવા તૈયાર.
કેન્દ્ર સરકાર એલર્ટ
H-3N-2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ દેશના ઘણા રાજ્યોમાં ફેલાયો છે. કર્ણાટક અને હરિયાણામાં વાયરસના કારણે બે લોકોના મોત થયા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. નીતિ આયોગે આ સંક્રમણને રોકવા માટે ભીડભાડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવાની હાકલ કરી છે. સાથે જ આગમચેતીના ભાગરૂપે સરકાર દ્વારા છ રાજ્યોને પરિપત્ર જાહેર કરીને કોરોનાના વકરતા કેસને નિયંત્રણમાં રાખવા અંગે ચેતવણી આપી દેવામાં આવી છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકનો 3T ફોર્મુલા એટલે કે ટેસ્ટ, ટ્રીટમેન્ટ અને ટ્રેકિંગની ઝડપી બનાવવા રસીકરણ વધારવા જણાવાયુ છે.