ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
દેશમાં જીવલેણ વાયરસ કોરોના મહામારીના કેસમાં આજે ફરી ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 30,615 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 11.7 ટકા વધુ છે. ગઈ કાલે 27 હજાર 409 કેસ સામે આવ્યા હતાં.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજાર 615 નવા કેસ નોંધાયા છે અને 514 લોકોના મોત પણ થઈ ગયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીની કુલ સંખ્યા વધીને 4 કરોડ 27 લાખ 23 હજાર 558 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 5 લાખ 9 હજાર 872 લોકોના મૃત્યુ થયા છે.
કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 3,70,240 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમિતોના 0.87 ટકા રહ્યા છે. આ દરમિયાન 52 હજાર 887 દર્દીઓ સાજા થયા છે, જે કોરોનાના નવા નોંધાતા દર્દીઓની સંખ્યા કરતા દોઢ ગણા વધારે છે. અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 18 લાખ, 43 હજાર, 446 લોકોએ આ રોગચાળાને માત આપી છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ ગઈકાલે 41 લાખ 54 હજાર 476 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 173 કરોડ 86 લાખ 81 હજાર 476 ડોઝ આપવામાં આવ્યા છે.