ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ છે. આ મંદિરમાં ઘણી વિશેષતાઓ જોવા મળશે. જેમાં મંદિરનાં ગર્ભગૃહને સૂર્યનાં કિરણોથી પ્રકાશમાન કરાશે. અહીં ઓડિશાના કોર્ણાક મંદિર જેવી વિશિષ્ટ ટેક્નોલૉજી વાપરવાનો વિચાર થઈ રહ્યો છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના સદસ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે ભગવાન રામના મંદિરમાં દર રામનવમીએ ગર્ભગૃહમાં સૂર્યનાં કિરણો ભગવાનની મૂર્તિને પ્રકાશિત કરે એવા એક પ્રસ્તાવ પર કામ ચાલી રહ્યું છે. જેના માટે વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ અને ટેક્નોલૉજીના નિષ્ણાતો સાથે વિચારણા ચાલી રહી છે.
કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે ઓડિશામાં આવેલા કોણાર્ક સૂર્ય મંદિરમાં અંદર સૂર્યનાં કિરણો આવે છે. એવી જ રીતે આ મંદિરમાં પણ ગર્ભગૃહ સુધી સૂર્યનાં કિરણો કેવી રીતે પહોંચે એના ઉપર વિચાર થઈ રહ્યો છે. મંદિર સાથે જોડાયેલી ટેક્નિકલ બાબતો પર એક સમિતિ બનાવી છે. જેમાં IIT દિલ્હી, IIT મુંબઈ, IIT રૂડકી સહિત રાષ્ટ્રીય ભવન નિર્માણ સંસ્થાના વિશેષજ્ઞો અને અન્ય ટેક્નોલૉજીના નિષ્ણાતોનો સમાવેશ છે.
શૉકિંગ! મુંબઈ-પુણે એક્સપ્રેસ પર થયો વિચિત્ર ઍક્સિડન્ટ : આટલા લોકોનાં ઘટનાસ્થળે મોત; જાણો વિગત
ટ્રસ્ટના અન્ય એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે શ્રીરામ મંદિરનું નિર્માણકાર્ય તેજ ગતિથી ચાલુ છે. વર્ષ 2023ના ડિસેમ્બર સુધીમાં ગર્ભગૃહના નિર્માણનું કામ પૂર્ણ થાય એનો પ્રયત્ન થઈ રહ્યો છે અને પછી લોકો દર્શન કરી શકશે. ત્યાર બાદ મંદિરના વિસ્તાર અને ભવ્યતાનું અન્ય કામ ચાલતું રહેશે.
કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે ભૂગર્ભના વર્ગીકરણ મુજબ ઉત્તર પ્રદેશ ભૂકંપ સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે. મંદિર પરિસરની નજીક નદી છે અને સંપૂર્ણ વિસ્તાર હિમાલય ક્ષેત્રના ઘેરામાં આવે છે. એથી વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ સાથે આ બધા વિષયો ઉપર ચર્ચા થઈ રહી છે.