ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
અક્ષયકુમાર દેશના કેટલાક કલાકારોમાંથી એક છે જેમની 3થી 4 ફિલ્મો દર વર્ષે રિલીઝ થાય છે. છેલ્લા એક દાયકાથી તે દર વર્ષે 2થી 3 સુપરહિટ ફિલ્મો આપી રહ્યો છે. અક્ષય 1 ફિલ્મ માટે 45 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે ફિલ્મમાંથી પ્રૉફિટ શૅરિંગ પણ લે છે. તાજેતરમાં વિશ્વના જાણીતા ‘ફોર્બ્સ’ મૅગેઝિને આ વર્ષે વિશ્વના ટોચના 10 સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદી બહાર પાડી છે. અક્ષય એકમાત્ર બૉલિવુડ અભિનેતા છે જે આ યાદીમાં સામેલ થયો. દરમિયાન બૉલિવુડ સ્ટાર અક્ષય 362 કરોડ રૂપિયાની કમાણી સાથે છઠ્ઠા નંબરે રહ્યો, તેણે ઘણા મોટા હૉલિવુડ સ્ટાર્સને હરાવ્યા. અક્ષયકુમાર હાલમાં લગભગ 2,000 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશમાં તેની પાસે વૈભવી મકાનો છે.
અક્ષય તેના પરિવાર સાથે મુંબઈના જુહુ વિસ્તારમાં 80 કરોડ રૂપિયાના આલીશાન બંગલામાં રહે છે. તેનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. તેના બંગલાનું આખું ઇન્ટિરિયર તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ તૈયાર કર્યું છે.
વર્ષ 2017માં અક્ષયે મુંબઈના અંધેરી લિન્ક રોડ વિસ્તારમાં આવેલા 38 માળ ઊંચા 'ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ટાવર'ના 21મા માળે ચાર ફ્લૅટ ખરીદ્યા હતા. દરેક ફ્લૅટનું કદ 2,200 ચોરસ ફૂટ છે. એની કિંમત 50 કરોડથી વધુ કહેવામાં આવી રહી છે. અક્ષય દરેક ફ્લૅટમાંથી વાર્ષિક 4.5 કરોડ રૂપિયા કમાય છે. અક્ષયકુમારે લગભગ એક દાયકા પહેલાં ગોવામાં પોર્ટુગીઝ શૈલીનો બંગલો પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે એની કિંમત 20 કરોડથી ઉપર છે. અક્ષય જ્યારે પણ પરિવાર સાથે રજાઓ માટે ગોવા જાય ત્યારે આ આલીશાન બંગલામાં રહે છે.
અક્ષયકુમારે કૅનેડાનું નાગરિકત્વ લીધું છે. અક્ષયે ઘણાં વર્ષો પહેલાં ટોરોન્ટોમાં એક આખી ટેકરી ખરીદી હતી. આ ટેકરી પર એક વૈભવી ઘર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અક્ષય પાસે આલીશાન બંગલો તેમ જ ટોરોન્ટો શહેરમાં અન્ય ઘણા ફ્લૅટ છે. અક્ષય પાસે દુબઈમાં 50 કરોડથી વધુની કિંમતનો એક વૈભવી વિલા પણ છે. અક્ષયનો આ વિલા એ જ વિસ્તારમાં છે જ્યાં શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓના વિલા છે. અક્ષયકુમારે વિશ્વના સૌથી સુંદર દેશોમાંના એક મોરેશિયસમાં ઘર પણ ખરીદ્યું છે. રજાઓ દરમિયાન અક્ષય મોરેશિયસમાં તેના પરિવાર સાથે જોવા મળે છે. અક્ષયકુમારે દક્ષિણ આફ્રિકાની રાજધાની કૅપટાઉનમાં એક વૈભવી બંગલો પણ ખરીદ્યો છે. તે ચોક્કસપણે દર વર્ષે એક વાર અહીં જાય છે.
તમને જણાવી દઈએ કે અક્ષયકુમાર છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતનો સૌથી વધુ ટૅક્સ ભરતો અભિનેતા પણ છે.