ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
વર્ષ 2001માં જ્યારે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર : એક પ્રેમ કથા' રિલીઝ થઈ, ત્યારે તેણે જબરદસ્ત રેકૉર્ડ બનાવ્યો. આ ફિલ્મ એ સમયની સૌથી સફળ ફિલ્મ બની. એ સમયની બીજી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની. ત્યારથી ચાહકો આતુરતાથી 'ગદર : એક પ્રેમ કથા'ના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા, જે હવે સમાપ્ત થઈ ગઈ છે. હા, તારા સિંહ (સની દેઓલ) અને સકીના (અમીષા પટેલ) 'ગદર 2' થી પરત ફરી રહ્યાં છે. તાજેતરમાં જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. 'ગદર 2'નું મોશન પોસ્ટર શૅર કરતાં સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,' બે દાયકા પછી, આખરે રાહ પૂરી થઈ…' સિક્વલની વાર્તા ત્યાંથી શરૂ થશે જ્યાં પહેલા ભાગની વાર્તા પૂરી થઈ હતી.
તમને જણાવી દઈએ કે 'ગદર : એક પ્રેમ કથા' રિલીઝ સમયે હિટ રહી હતી અને તારા સિંહ અને સકીનાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સકીનાના રોલ માટે 500 છોકરીઓમાંથી અમીષાની પસંદગી કરવામાં આવી હતી. 'ગદર'નું દિગ્દર્શન અનિલ શર્માએ કર્યું હતું અને તેમના પુત્ર ઉત્કર્ષે તારા સિંહ અને સકીનાના પુત્ર જીતની ભૂમિકા ભજવી હતી. સિક્વલમાં જીતને મોટો બતાવવામાં આવશે અને વાર્તા આગળ ચલાવવામાં આવશે. આ વખતે વાર્તામાં સની દેઓલની સાથે તેનો ઑનસ્ક્રીન પુત્ર એટલે કે ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં હશે.
'ગદર 2' મુખ્ય હીરો તરીકે અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષની બીજી ફિલ્મ હશે. આ પહેલાં તે 2018ની ફિલ્મ 'જિનિયસ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું હતું.