ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બિગ બી અમિતાભ બચ્ચનના બૉડીગાર્ડ તરીકે તહેનાત કરવામાં આવેલા મુંબઈ પોલીસના કૉન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની વાર્ષિક આવક અધધધ કહેવાય એમ 1.5 કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે. પોલીસની સાદી નોકરીમાં વાર્ષિક આવક કરોડો રૂપિયા પર પહોંચી જતાં પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. આ રિપૉર્ટ મળવાની સાથે જ મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળે તાત્કાલિક ધોરણે તેની ટ્રાન્સફર ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી નાખી છે.
સામાન્ય પોલીસ કૉન્સ્ટેબલની વાર્ષિક આવક કરોડ રૂપિયા પર પહોંચી જતાં પોલીસ ખાતું પણ ચોંકી ગયું છે. જિતેન્દ્ર શિંદેએ તેની વાર્ષિક આવક અને તેની સંપત્તિ બાબતે પોલીસ ખાતાને જાણ કરી હતી કે નહીં એની તપાસ રાજ્ય સરકાર કરી રહ્યું છે. એટલું જ નહીં, પણ તે પોલીસ ખાતાની નોકરી સિવાય અન્ય જગ્યાએથી પણ પગાર લઈ રહ્યો છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવવાની છે. એક સરકારી નોકરી ચાલુ હોય ત્યારે અન્ય જગ્યાએ નોકરી કરવી નિયમ વિરુદ્ધ છે.
જિતેન્દ્ર શિંદે 2015ની સાલથી અમિતાભ બચ્ચનના બૉડીગાર્ડ તરીકે કામ કરી રહ્યો છે, ત્યારે તેની ટ્રાન્સફરને જોકે પોલીસ ખાતાની રૂટિન ટ્રાન્સફર ગણાવવામાં આવી છે. સિનિયર પોલીસ અધિકારીના કહેવા મુજબ પોલીસ કમિશનર હેમંત નાગરાળે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. એ મુજબ કોઈ પણ પોલીસ એક જ જગ્યાએ પાંચ વર્ષથી વધુ સમય કામ કરી શકે નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને X કૅટૅગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. એટલે દરેક શિફ્ટમાં બે કૉન્સ્ટેબલ હોય છે. એમાંનો એક જિતેન્દ્ર શિંદે હતો. એક ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ જિતેન્દ્ર શિંદેની પત્ની હાઇફાઇ પર્સનાલિટીઓને સિક્યૉરિટી ગાર્ડ પૂરી પાડવાનો બિઝનેસ કરે છે. જોકે હજી સુધી આ બાબતે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. એથી જિતેન્દ્રને તેની આવક સંદર્ભમાં શો કોઝ નોટિસ ફટકારવામાં આવશે. એમાં તે પોલીસની નોકરી સિવાય અન્ય ક્યાંથી આવક રળે છે એની માહિતી આપવાની રહેશે. આ દરમિયાન સૂત્રોના કહેવા મુજબ જિતેન્દ્રની ટ્રાન્સફર નહીં કરવા માટે પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જિતેન્દ્ર અમિતાભ બચ્ચનની એકદમ નજીક ગણાય છે. તે અમિતાભ સાથે સતત રહેતો હતો અને તેમની દરેક ટૂરમાં પણ તે સાથે રહેતો હતો.