ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
બૉલિવુડ ઍક્ટ્રેસ કરીના કપૂર ખાન તેના પહેલા દીકરા તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રૉલ થઈ હતી અને હવે તે તેના બીજા દીકરા નામને લઈને પણ ટ્રૉલ થઈ રહી છે. હાલમાં જ કરીનાની બુક ‘કરીના કપૂર પ્રેગ્નન્સી બાઇબલ’માં આ વાતનો ખુલાસો થઈ ગયો છે કે કરીનાના બીજા દીકરાનું નામ શું છે. વાત એમ છે કે કરીના કપૂર ખાન અત્યાર સુધી તેના બીજા દીકરાનું નામ જણાવતી ન હતી. તેના દીકરાનું હુલામણું નામ જેહ બતાવ્યું હતું, જેનાથી કોઈને આપત્તિ ન હતી. જોકે હવે કરીનાની બુકમાં સામે આવ્યું છે કે કરીનાએ તેના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. જેને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રૉલ થઈ રહી છે. હવે સેફ અલી ખાનની બહેન સબા અલી ખાન કરીનાના બચાવમાં આગળ આવી છે. તેણે ટ્રૉલ્સને પૂછ્યું કે નામમાં શું રાખ્યું છે?
સબા અલી ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં લખ્યું છે કે નામમાં શું રાખ્યું છે? પ્રેમ કરો, જીવો અને જવા દો. બાળકો ભગવાનના આશીર્વાદ હોય છે. સબા અલી ખાનને તેની ફૅમિલી સાથે સારું બૉન્ડિંગ છે.