ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાએ દુનિયાને હચમચાવી દીધી છે. અફઘાનિસ્તાનની સરકારે તાલિબાન સામે ઘૂંટણ ટેકવી દીધાં છે. આ મુશ્કેલ સમયમાં વિશ્વભરમાંથી અફઘાનિસ્તાનના લોકો માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. બૉલિવુડના ઘણા દિગ્દર્શકોએ અફઘાનિસ્તાનની ધરતી પર ફિલ્મનું શૂટિંગ કરવાનું જોખમ પણ લીધું હતું
ધર્માત્મા
અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. 46 વર્ષ પહેલાં 1975માં રિલીઝ થયેલી આ ફિલ્મ અભિનેતા-દિગ્દર્શક અને નિર્માતા ફિરોઝ ખાને બનાવી હતી. ફિલ્મમાં અફઘાનિસ્તાનની સૌથી અદ્ભુત જગ્યાઓ બતાવવામાં આવી હતી. ‘ધર્માત્મા’નું ગીત 'ક્યા ખુબ લગતી હો…'નું શૂટિંગ અફઘાનિસ્તાનના બામિયા બુદ્ધજમાં થયું હતું.
ખુદા ગવાહ
1992માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખુદા ગવાહ’ ડિરેક્ટર મુકુલ એસ. આનંદની હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શ્રીદેવીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ‘ખુદા ગવાહ’નાં કેટલાંક દૃશ્યો કાબુલ અને મઝાર-એ-શરીફમાં શૂટ કરવામાં આવ્યાં છે.
એજન્ટ વિનોદ
સૈફ અલી ખાન અને કરીના કપૂર અભિનીત ફિલ્મ ‘એજન્ટ વિનોદ’નાં શરૂઆતનાં દૃશ્યો અફઘાનિસ્તાનમાં શૂટ કરવામાં આવ્યાં છે. શ્રીરામ રાઘવન દિગ્દર્શિત આ ફિલ્મ 2012 માં રિલીઝ થઈ હતી. ફિલ્મનાં આ દૃશ્યો દસ્ત-એ-માર્ગોમાં શૂટ કરવામાં આવ્યાં હતાં.
જાનશીન
ફરદીન ખાન અને સેલિના જેટલી સ્ટારર રોમૅન્ટિક થ્રિલર ‘જાનશીન’નું શૂટિંગ પણ અફઘાનિસ્તાનમાં થયું છે. એક વાર અફઘાનિસ્તાનમાં ફિલ્મ બન્યા પછી આ જોખમ ફરીથી અભિનેતા-દિગ્દર્શક ફિરોઝ ખાને લીધું. જે સમયે આ ફિલ્મ બની ત્યારે અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે યુદ્ધનું વાતાવરણ હતું.
કાબુલ એક્સપ્રેસ
જ્હૉન અબ્રાહમ અને અરશદ વારસી સ્ટારર ફિલ્મ ‘કાબુલ એક્સપ્રેસ’નો નોંધપાત્ર હિસ્સો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ફિલ્માવવામાં આવ્યો હતો. વર્ષ 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મ એવા સમયે આવી જ્યારે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનનો આતંક ખતમ થઈ ગયો હતો. આ ફિલ્મનું શૂટિંગ ગ્રીન પૅલેસ, બાલા હિસ્સાર ફોર્ટ, દારુલ અમન પૅલેસ અને પંજશીર વેલીમાં થયું હતું.
તોરબાઝ
ડિરેક્ટર ગિરીશ મલિકની ફિલ્મ ‘તોરબાઝ’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, નરગિસ ફખરી, રાહુલ દેવ જેવા કલાકારો જોવા મળ્યા હતા. એનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં પણ થયું હતું. જોકે ફિલ્મનો અમુક ભાગ અફઘાનિસ્તાનમાં શૂટ થયા બાદ એનો બીજો ભાગ બિશ્કેક અને કિર્ગિસ્તાનમાં શૂટ કરવામાં આવ્યો હતો.
રિયા ચક્રવર્તીએ અફઘાનિસ્તાનની મહિલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી, કહ્યું : તેમને વેચવામાં આવી રહી છે