ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
બૉલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મો અને પોતાની શૈલીથી હિન્દી સિનેમામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અભિનેતાએ ફિલ્મ 'દિલ ભી તુમ્હારા, હમ ભી તુમ્હારે'થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો અને એ પછી તેઓ ઘણી હિટ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા, પરંતુ બૉલિવુડમાં પ્રવેશતાં પહેલાં ધર્મેન્દ્ર એક અમેરિકન ડ્રિલિંગ કંપનીમાં કામ કરતા હતા. એટલું જ નહીં તેમને અમેરિકા જવાની ઑફર પણ મળી હતી, પરંતુ એને ઠુકરાવીને મુંબઈ આવવાનું તેમણે નક્કી કર્યું હતું.
ધર્મેન્દ્રને લગતી આ વાતનો ખુલાસો તેમના પુત્ર બૉબી દેઓલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. બૉબી દેઓલે પિતા વિશે કહ્યું હતું કે, 'મેં પિતાની પહેલી ફિલ્મ 'દિલ ભી તુમ્હારા, હમ ભી તુમ્હારે' જોઈ હતી, એમાં તેઓ ખૂબ જ નબળા દેખાતા હતા. લાંબા સંઘર્ષ બાદ તેઓ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓ માત્ર એક જ વખત ખાવાનું ખાતા હતા તથા નિર્માતાઓને પોતાની તસવીરો બતાવવા માટે માઈલો દૂર ચાલીને જતા હતા.
ધર્મેન્દ્ર વિશે વાત કરતાં બૉબી દેઓલે વધુમાં કહ્યું કે, 'ફિલ્મોમાં જોડાતાં પહેલાં તેઓ એક અમેરિકન ડ્રિલિંગ કંપનીમાં કામ કરતા હતા અને તેમને અમેરિકા જવાની ઑફર પણ કરવામાં આવી હતી. પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી, કારણ કે તેમનું મન ફિલ્મોમાં લાગેલું હતું. મને ખબર નથી કે તેમને આવી યોગ્ય નોકરીને નકારવાની હિંમત કોણે આપી.’
પિતાના સંઘર્ષને યાદ કરતાં બૉબી દેઓલે આગળ કહ્યું હતું કે, 'તેમને મુંબઈ આવવા માટે બધું જ છોડી દીધું હતું. જ્યારે તે અહીં પહોંચ્યા ત્યારે તેમની પાસે રહેવા માટે ઘર પણ નહોતું. થોડા સમય માટે તેઓ કોઈની બાલ્કનીમાં ભાડૂત તરીકે રહેતા હતા. ખોરાકની અછતને કારણે, તેમનું વજન ઊતરી ગયું હતું.
તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રે દિલીપકુમારની ફિલ્મ જોયા બાદ ફિલ્મોમાં ડેબ્યૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પહેલા તેમની માતાને આ વિશે જણાવ્યું. પણ દીકરાની વાત સાંભળ્યા પછી માતાએ મોઢું બંધ કરી દીધું અને કહ્યું, 'તમારા બાઉજી મને તમારી સાથે ઘરની બહાર ફેંકી દેશે.'