ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈ ડ્રગ્સ કેસમાં જેલમાં છે. આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી બૉલિવુડથી લઈને રાજકારણ સુધી આ ધરપકડની સતત ચર્ચા થઈ રહી છે. આર્યન ખાનને લગતી માહિતી ગૂગલ ઉપર પણ સર્ચ કરવામાં આવી રહી છે, પરંતુ આર્યન ખાનના સંદર્ભમાં ગૂગલ સર્ચ પર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જ્યારે પણ તમે ગૂગલ પર કોઈ શબ્દ સર્ચ કરો છો, ત્યારે એના હેઠળ સંબંધિત કીવર્ડ્સ પણ દેખાય છે, પરંતુ આર્યન ખાનના કિસ્સામાં આવું થઈ રહ્યું નથી.
ચાલો તમને ઉદાહરણ આપીને સમજાવીએ, જ્યારે તમે સુહાના ખાનને ગૂગલમાં સર્ચ કરો, ત્યારે સુહાના ખાનની એજ, સુહાના ખાનની ફિલ્મ, સુહાના ખાનનું ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ અને આવા તમામ શબ્દો સુહાના ખાનના નામ હેઠળ કીવર્ડ્સ તરીકે દેખાશે, પરંતુ જ્યારે તમે આર્યન ખાનને સર્ચ કરશો ત્યારે એક પણ કીવર્ડ દેખાશે નહીં.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગૂગલમાં સર્ચ કરતા સંબંધિત કીવર્ડ્સ આર્યન ખાનના સંદર્ભમાં કેમ નથી આવી રહ્યા. કેટલાક સોશિયલ મીડિયા નિષ્ણાતો જણાવી રહ્યા છે કે એવી સંભાવના છે કે આર્યન ખાન સાથે સંબંધિત કીવર્ડ ગૂગલમાંથી હટાવી દેવામાં આવ્યો હોય અને તે શાહરુખ ખાનની પીઆર ટીમ દ્વારા કરવામાં આવ્યો હોય, પરંતુ હાલમાં આ વિષય પર કોઈ નક્કર માહિતી મળી નથી, પરંતુ એ સાચું છે કે આર્યન ખાન સંબંધિત કીવર્ડ્સ ગૂગલ અને યુટ્યૂબ પર દેખાતા નથી.