ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમના સંબંધોને નવા સ્તરે લઈ જવા માટે તૈયાર છે. બંનેનાં લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. માનવામાં આવે છે કે કેટરિના અને વિકી આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે. આ દરમિયાન કેટરિના અને વિકી સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ મુજબ બે મહિના પહેલાં કેટરિના કૈફ અને વિકી કૌશલે જુહુમાં આલીશાન હાઈ-રાઇઝ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી, જ્યાં અનુષ્કા-વિરાટ રહે છે, જે ગયા વર્ષના અંતમાં વિરુષ્કાએ ખરીદી હતી.
એક મીડિયા હાઉસના રિપૉર્ટ અનુસાર કેટરિના કૈફ અને વિકી કૌશલ જુહુમાં આવેલી આલીશાન હાઈ-રાઇઝ ઇમારતથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. લગ્ન પહેલાં વિરાટ અને અનુષ્કા ઘણી વખત જુહુ ઍપાર્ટમેન્ટમાં પણ ગયાં હતાં. છેવટે તેઓએ પાછળથી ઘર ખરીદ્યું અને લગ્ન પછી આ ઍપાર્ટમેન્ટમાં રહેવાનું નક્કી કર્યું. કેટરિના અને વિકી લગ્ન બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાંં નવાં પાડોશી બનશે. આ સિવાય તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સારા મિત્રો છે અને તેઓએ 'જબ તક હૈ જાન'માં પણ સાથે કામ કર્યું છે. હાલમાં જ બંને કરણ જોહરનો શો 'કૉફી વિથ કરણ'માં સાથે જોવા મળ્યાં હતાં.
એક મીડિયા હાઉસના રિપૉર્ટ અનુસાર કેટરિના કૈફ અને વિકી કૌશલ 7થી 9 ડિસેમ્બર, 2021 વચ્ચે લગ્ન કરી શકે છે. તેમનો પરિવાર અને નજીકના લોકો આ ભવ્ય લગ્ન માટે તૈયાર છે. લગ્ન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રિપૉર્ટ અનુસાર બૉલિવુડમાંથી અત્યાર સુધી ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ મેક-અપ આર્ટિસ્ટ, કૉસ્ચ્યુમ ડિઝાઇનર્સ અને રિસોર્ટ સ્ટાફને તારીખો સેવ કરવાનું કહેવામાં આવ્યું છે.
જોકે હજુ સુધી કેટરિના કૈફ અને વિકી કૌશલ તરફથી આ લગ્ન અને એની તારીખોને લઈને કોઈ નિવેદન આવ્યું નથી. આ ઉપરાંત થોડા દિવસ પહેલાં કેટરિના કૈફે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આવા કોઈ પણ સમાચારમાં કોઈ સત્ય નથી. જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે આવી અફવાઓ કેમ ઊડી હતી, ત્યારે કેટરિનાએ કહ્યું, "છેલ્લાં 15 વર્ષથી આ મારા માટે પણ એક મોટો પ્રશ્ન છે."