ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
બૉલિવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની તપાસ ચાલુ છે. શુક્રવારે NCBએ ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ તેના ઘરમાંથી MD ડ્રગ્સ અને ચરસ જપ્ત કર્યાં છે. અભિનેતા એજાઝ ખાનની પૂછપરછના આધારે ગૌરવની ધરપકડ કરવામાં આવી છે. ન્યુઝ એજન્સી ANI અનુસાર NCBએ અહેવાલ આપ્યો છે કે ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે. MD અને ચરસ તેના ઘરેથી દરોડામાં મળી આવ્યાં છે. અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કર્યા બાદ પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું.
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ, NCBની ટીમે આ વર્ષે એપ્રિલમાં પણ ગૌરવના ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એમ કહેવામાં આવ્યું હતું કે ગૌરવના ઘરમાંથી MD, MDMA અને ચરસ મળી આવ્યાં હતાં. દરોડા દરમિયાન ગૌરવ ઘરે હાજર ન હતો, ફ્લૅટ પર NCB જોઈને તે નીચેથી જ ભાગી ગયો હતો. અન્ય એક અહેવાલ મુજબ NCBના અધિકારીએ કહ્યું કે અભિનેતાને કસ્ટડી માગતાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
વધુમાં જણાવવાનું કે ગૌરવ ભોપાલનો રહેવાસી છે અને તેણે પાવર ઇલેક્ટ્રિકલમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે. બાદમાં ગૌરવે મૉડલિંગ શરૂ કર્યું અને અભિનેતા બન્યો. એજાઝ ખાનની પૂછપરછના આધારે ગૌરવની ધરપકડ કરવામાં આવી હતી. ફિલ્મો, ટીવી સિરિયલો અને કૉમર્શિયલમાં અભિનય માટે જાણીતો અભિનેતા ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb) અનુસાર, ગૌરવે 'હૅપ્પી ભાગ જાયેગી', 'હૅપ્પી ફિર ભાગ જાયેગી', 'દહેક : એ રેસ્ટલેસ માઇન્ડ', 'ધ મૅજિક ઑફ સિનેમા' અને 'ગંગા કે પાર સૈયાન હમાર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે ગૌરવ 'સીતા ઔર ગીતા' જેવા ટીવી શોમાં પણ દેખાયો છે.
એજાઝ ખાન 31 માર્ચે મુંબઈ ઍરપૉર્ટ પરથી પકડાયો હતો. NCBએ એજાઝ અંગે અંધેરી અને લોખંડવાલામાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રગ સ્મગલર શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન એજાઝનું નામ સામે આવ્યું હતું. પહેલા બટાટાની ધરપકડ કરવામાં આવી, ત્યાર બાદ તપાસ એજન્સીએ એજાઝની પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું.