કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
મનોરંજન જગતમાં આજકાલ છૂટાછેડા લેવાનો સિલસિલો વધી રહ્યો છે. ગઈકાલે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે છૂટાછેડા લેવાની જાહેરાત કર્યા બાદ આજે વધુ એક કપલ અળગું થઈ રહ્યું હોવાના સમાચાર આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બી.આર. ચોપરાની ધાર્મિક ટીવી સીરિયલ 'મહાભારત' માં ભગવાનનો શ્રી કૃષ્ણનો રોલ કરનાર અભિનેતા નીતિશ ભારદ્વાજ પત્ની સ્મિતાથી અલગ થઈ ગયા છે. અભિનેતા નીતિશ ભારદ્વાજના 12 વર્ષના લગ્નજીવનનો દુઃખદ અંત આવ્યો છે. નીતિશ ભારદ્વાજે તેની પત્નીથી અલગ થવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ ચોક્કસપણે કહ્યું કે તેના છૂટાછેડાનો મામલો કોર્ટમાં છે. હાલમાં સ્મિતા તેની બંને દીકરીઓ સાથે ઈન્દોરમાં રહે છે.
એક સમાચાર સંસ્થા સાથેની વાતચીત દરમિયાન અભિનેતા નીતિશે પત્ની સ્મિતાથી અલગ થવાની વાત કરી હતી. તેમણે કહ્યું- હા, મેં સપ્ટેમ્બર, 2019માં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. મારે ઊંડાણમાં જવું નથી કે અમારા જુદા થવાનું કારણ શું છે? હાલ મામલો કોર્ટમાં છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે ક્યારેક છૂટાછેડા મૃત્યુ કરતાં વધુ પીડાદાયક હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે એકલા રહેતા હોવ.
અભિનેતા નીતિશ ભારદ્વાજે આગળ કહ્યું હતું કે, મને લગ્ન જેવા રિવાજો પર પૂરો વિશ્વાસ છે, પરંતુ હું નસીબદાર નથી. લગ્ન તૂટવાના ઘણા કારણો હોઈ શકે છે. ક્યારેક તે જીદ અથવા સહાનુભૂતિના અભાવના કારણે થાય છે. અથવા તે ઘમંડ અને હંમેશા પોતાના વિશે વિચારવાનું પરિણામ હોઈ શકે છે. પરંતુ જ્યારે કુટુંબ તૂટી જાય છે, ત્યારે બાળકો સૌથી વધુ સફર કરે છે. આવી સ્થિતિમાં, બાળકો પર તેની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી માતાપિતાની છે.
ઈન્ટરવ્યુ દરમિયાન નીતિશ ભારદ્વાજને પૂછવામાં આવ્યું કે શું તમે તમારી દીકરીઓ સાથે વાત કરો છો? આના જવાબમાં તેમણે કહ્યું કે, હું આ અંગે કંઈ કહેવા માંગતો નથી કે હું એમને મળી શકું છું કે નહીં. મેં ઘણી વખત સ્મિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે મારા મેસેજનો કોઈ જવાબ ના આપ્યો…