ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
બિઝનેસમૅન રાજ કુન્દ્રા પર પૉર્ન ફિલ્મ બનાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. પૉર્ન ફિલ્મોની કમાણીના તાર કાનપુર સાથે સંકળાયેલા છે. રાજ કુન્દ્રાની કંપનીના બે ક્લાયન્ટોનાં ખાતાં કાનપુરની બૅન્કોમાં ખોલવામાં આવ્યાં હતાં. આ ખાતાંમાં કરોડો રૂપિયાની લેણદેણ થઈ છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ બૅન્કનાં ખાતાંઓને સીઝ કરાવ્યાં છે.
રાજ કુન્દ્રાની કંપનીના બે ક્લાયન્ટોનાં ખાતાં કાનપુરની બૅન્કોમાં ખોલવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ વાતનો ખુલાસો મુંબઈ પોલીસની તપાસમાં થયો છે. મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાના 11 સહયોગીઓના 18 બૅન્ક ખાતાં સીઝ કરાવ્યાં છે. આ બૅન્ક ખાતાંમાં 7 કરોડ 31 લાખ રૂપિયા જમા હતા. એમાં હર્ષિતા શ્રીવાસ્તવનું પંજાબ નૅશનલ બૅન્કની બર્રા સ્થિતિ શાખામાં ખાતું હતું. જેમાં 2 કરોડ 45 લાખ 222 રૂપિયા જમા હતા. બીજું ખાતું નર્બદા શ્રીવાસ્તવનું કૈંટ સ્થિત ભારતીય સ્ટેટ બૅન્ક શાખામાં હતું. નર્બદાના ખાતામાં 5 લાખ 59 હજાર 151 રૂપિયા જમા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ ગયા શુક્રવારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાદા કપડામાં કાનપુર પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચે બૅન્ક મૅનેજર પાસે ખાતાં સંબંધિત ડિટેલ કઢાવડાવી. ખાતાંમાંથી ક્યારે અને કઈ તારીખે પૈસા કાઢવામાં આવ્યા તથા જમા કરવામાં આવ્યા એની ડિટેલ કઢાવ્યા બાદ આ ખાતાંઓને સીઝ કરવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત જાણકારી મુજબ, હર્ષિતા અને નર્બદા રાજ કુન્દ્રાની પૉર્ન ઍપ હૉટશૉટ્સના સબસ્ક્રાઇબર વધારવાનું કામ કરતાં હતાં.