ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
‘મિર્ઝાપુર’ વેબ સિરીઝની પહેલી સિઝને OTT પ્લૅટફૉર્મ પર ધૂમ મચાવી દીધી, જેના કારણે બીજી સિઝન ખૂબ ચર્ચામાં રહી, તો હવે ‘મિર્ઝાપુર 3’ ક્યારે સ્ટ્રીમ થઈ રહી છે? ‘મિર્ઝાપુર’ના ડિરેક્ટર રિતેશ સિધવાણીએ આ વિશે મોટો ખુલાસો કર્યો છે. જોકે મહામારીને કારણે એવી આશંકાઓ છે કે એની ત્રીજી સિઝન માટે ચાહકોને થોડી વધુ રાહ જોવી પડશે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, રિતેશ સિધવાનીએ હાલમાં જ એની ત્રીજી સિઝન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘‘અમે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. અમે ખરેખર આ વર્ષે શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા હતા, પરંતુ લૉકડાઉન અને વરસાદને કારણે હવે એ નક્કી છે કે એની શરૂઆત આવતા વર્ષે શરૂ થશે.’’
‘મિર્ઝાપુર’ની પહેલી સિઝન 16 નવેમ્બર, 2018ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. દર્શકોએ આ સિરીઝને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. એ ભારતની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ બની ગઈ છે. કલાકારોના અભિનયની વાત કરીએ તો પંકજ ત્રિપાઠીની ઘણી પ્રશંસા થઈ છે. ‘મિર્ઝાપુર’ની બીજી સિઝન 23 ઑક્ટોબર, 2020એ રિલીઝ થઈ હતી. તમને જણાવી દઈએ કે ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પર આધારિત કહાની છે. ‘મિર્ઝાપુર’ની પહેલી સિઝનમાં અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, દેવ્યંદુ શર્મા અને વિક્રાંત મેસીની સાથે-સાથે ઍક્ટિંગ અને ડાયલૉગ્સે લોકોને પાગલ કરી દીધા હતા.