ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જુલાઈ, 2021
મંગળવાર
અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવારે ધરપકડ કરાયા બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના 23મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડ્યંત્રકાર હોવાનો દાવો કર્યો છે. ગઈ કાલે સાંજે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
પતિની ધરપકડ અને કસ્ટડીથી પત્ની શિલ્પા શેટ્ટી આઘાતમાં છે. માનવામાં આવે છે કે શિલ્પા શેટ્ટી આખી રાત સૂઈ પણ શકી નથી. શિલ્પા હાલમાં જુહુ સ્થિત બંગલામાં માતા સુનંદા તથા બહેન શમિતા સાથે છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શો સુપર ડાન્સર 4ના શૂટિંગમાં આવવાનું ટાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો શિલ્પા શેટ્ટી શોના શૂટિંગ માટે નહોતી આવી. જોકે હાલ તેના શૂટિંગનું કોઈ રીશેડ્યૂલિંગ પણ નથી કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે 'સુપર ડાન્સર'નું શૂટિંગ મોટા ભાગે દર સોમવારે કે મંગળવારે થતું હોય છે. એક જ દિવસમાં બે એપિસોડ્સ શૂટ કરવામાં આવે છે. શિલ્પાએ છેલ્લી ઘડીએ શોમાં આવવાની ના પાડતાં અન્ય બે જજ ગીતા કપૂર તથા અનુરાગ બાસુ સાથે શૂટિંગ કરવામાં આવ્યું છે. શોમાં કરિશ્મા કપૂરને સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી છે.
શિલ્પા શેટ્ટી પતિના મોટા ભાગના બિઝનેસમાં પાર્ટનર રહી છે. આથી જ ક્રાઇમ બ્રાન્ચ હવે શિલ્પા શેટ્ટીને સમન્સ પાઠવીને તેની પૂછપરછ કરવાની તૈયારી કરી છે.