ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
શાહરુખ ખાનની દીકરી સુહાનાના ડેબ્યૂની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. હવે તાજેતરના અહેવાલો અનુસાર સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝોયા તેની સાથે વધુ બે લોકોને પણ લૉન્ચ કરી રહી છે. અહેવાલો અનુસાર વાર્તા લોકપ્રિય આર્ચી કૉમિક્સ પર આધારિત છે.
શાહરુખ ખાનના ચાહકો લાંબા સમયથી તેનાં બાળકોના બૉલિવુડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાને કહ્યું છે કે તેનો પુત્ર અભિનયમાં રસ ધરાવતો નથી, પરંતુ પુત્રી સુહાના બૉલિવુડમાં અભિનેત્રી તરીકે કામ કરવા માગે છે. હવે એવા સમાચાર છે કે જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તર સુહાના ખાનને લૉન્ચ કરી રહી છે.
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ પ્રોજેક્ટની નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે ઝોયા અખ્તર આંતરરાષ્ટ્રીય કૉમિક બુક આર્ચીનું ભારતીય રૂપાંતરણ કરવા પર કામ કરી રહી છે. એ નેટફ્લિક્સ માટે હશે. આ કિશોરવયની વાર્તા છે, એથી ઘણા યુવાન કલાકારો મિત્રોની ભૂમિકામાં હશે. હાલમાં પ્રોજેક્ટનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે. ઝોયાએ કેન્દ્રીય પાત્ર માટે સુહાના ખાનને પસંદ કરી છે. સુહાના પહેલાં પણ ઘણી શૉર્ટ ફિલ્મો કરી ચૂકી છે, પરંતુ અભિનયમાં આ તેની સત્તાવાર શરૂઆત હશે. સુહાના અને તેના પિતા દ્વારા સ્ક્રિપ્ટ મંજૂર થયા બાદ અંતિમ પેપરવર્ક થશે.
BB OTTમાં પ્રવેશ કરવા માટે રાખી સાવંત, સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરીને સેટ પર જોવા મળી
મૅગેઝિન માટે સુહાના ખાનના ફોટોશૂટ વાયરલ થયા બાદ તેના ડેબ્યૂની ચર્ચાઓ શરૂ થઈ હતી. ફિલ્મોમાં આવતાં પહેલાં પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઍક્ટિવ છે.