ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જુલાઈ, 2021
શુક્રવાર
23 જુલાઈની તારીખ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના જીવનમાં ખૂબ મહત્વની બની ગઈ છે. શિલ્પા શેટ્ટી માટે આ તારીખ મહત્વપૂર્ણ છે, કારણ કે તેની ફિલ્મ ‘હંગામા-2’ રિલીઝ થઈ રહી છે. શિલ્પાએ આ અગાઉ સની દેઓલની હોમ પ્રોડક્શન ફિલ્મમાં વર્ષ 2007માં સની દેઓલની પત્નીની ભૂમિકા નિભાવી હતી. એ પછી તે પડદાથી દૂર થઈ ગઈ. હવે શિલ્પા ફરી એક વાર તેની અભિનય કારકિર્દી માટે કમર કસી રહી હતી. શિલ્પા ‘હંગામા-2’થી પરત ફરતી વખતે ખૂબ જ ઉત્સાહિત હતી અને સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. શિલ્પાની આશા ‘હંગામા-2’ પર ટકી હતી. જોકે અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવ્યા બાદ શિલ્પા સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ છે. આ સાથે જ તેને ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર-4’માંથી પણ બ્રેક લેવો પડ્યો છે, જેમાં શિલ્પા જજ તરીકે હતી. આ બ્રેક કેટલો સમય ચાલશે, કંઈ કહી શકાય નહીં.
શિલ્પા માટે આ આખો મામલો તેની જિંદગીમાં બહુ મોટો ફટકો મારી ચૂક્યો છે. પતિની ધરપકડ બાદ શિલ્પા સંપૂર્ણ મૌન છે. 23 જુલાઈની તારીખ રાજ કુન્દ્રા માટે મહત્વની માનવામાં આવે છે, કારણ કે તેની પોલીસ કસ્ટડી સમાપ્ત થઈ રહી છે અને કોર્ટ રાજનું ભવિષ્ય નક્કી કરશે. આ ધરપકડ પહેલાં રાજની છબી એક ઉદ્યોગપતિની હતી, પરંતુ પોલીસ તપાસમાં જે બાબતો પ્રકાશમાં આવી છે એનાથી તેની છબીને નુકસાન પહોંચ્યું છે.