ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શોના દરેક પાત્રએ પ્રેક્ષકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના રોગચાળાને કારણે સેટને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે શૂટિંગ ફરીથી મુંબઈમાં શરૂ થયું છે અને ટીમ છેલ્લા એક મહિનાથી મુંબઈમાં શૂટિંગ કરી રહી છે. પરંતુ મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસથી સેટ પરથી ગાયબ છે અને ઘણા દિવસોથી તેની આસપાસ સ્ટોરીલાઇન લખવામાં આવી નથી.
એક અહેવાલ મુજબ મુનમુન દત્તા ત્યારથી સેટ પર નથી આવી, જ્યારથી તે કૉન્ટ્રોવર્સીનો હિસ્સો બની છે. મુનમુન દત્તાએ થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પર એક મેકઅપની ટ્યુટોરિયલ શૅર કરી હતી. જેમાં તેણે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. મુનમુનને જાતિવાદી શબ્દનો ઉપયોગ કરવો ભારે પડી ગયો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે ખૂબ ટ્રૉલ થઈ હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેણે શોને અલવિદા આપવાનું નક્કી કર્યું છે. જ્યારે મુનમુનને શો છોડવા વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે ઉપલબ્ધ નહોતી. હવે મુનમુને શો છોડી દીધો છે કે નહીં, એ તો નિર્માતાઓ અથવા અભિનેત્રી જાતે જ કહી શકે છે.