ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
વિકી કૌશલ અને કેટરિના કૈફ બૉલિવુડ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે અને દરરોજ તેમનાં લગ્નની ચર્ચાઓ થતી રહે છે. જોકે બંનેએ તેમના સંબંધો વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી. તાજેતરમાં એક મીડિયા હાઉસે સૌથી પહેલાં જાણ કરી હતી કે વિકી કૌશલ અને કેટરિના કૈફ 18 ઑગસ્ટના રોજ સગાઈ કરી ચૂક્યાં છે. હવે સૂત્રે ખુલાસો કર્યો છે કે બંને તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. પ્રાપ્ત માહિતી અનુસાર વિકી કૌશલ અને કેટરિના કૈફે તેમનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રે કહ્યું, “બંનેનાં લગ્નના ડ્રેસ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. તે બંને અત્યારે કપડાં પસંદ કરી રહ્યાં છે. કેટરીના કૈફે તેના આઉટફિટ માટે રો સિલ્ક પસંદ કર્યું છે, જે લહેંગા હશે. લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં થશે. વિકી કૌશલ અને કેટરીના કૈફે હજુ સુધી તેમનાં લગ્ન વિશે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે બંને ઘણી વાર સાથે જોવા મળે છે અને વિકી કૌશલને કેટરિના કૈફના ઘરે ઘણી વખત જોવામાં આવ્યો છે. હાલમાં જ બંને ફિલ્મ 'સરદાર ઉધમ'ના સ્ક્રીનિંગમાં જોવા મળ્યાં હતાં. દરમિયાન વિકી કૌશલ અને કેટરીના કૈફને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.
જોકે જ્યારે એક મીડિયા દ્વારા આ સમાચારની તપાસ કરવામાં આવી તો એમાં કોઈ સત્યતા મળી ન હતી. મીડિયાનાં આંતરિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લગ્નની આ નવી અફવામાં કોઈ સત્ય નથી. 'આ સમાચાર તદ્દન બકવાસ છે. બંને કલાકારો પાસે હાલમાં આવી કોઈ યોજના નથી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ 'સૂર્યવંશી', 'ફોન ભૂત' અને 'જી લે ઝરા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. વિકી કૌશલની ફિલ્મ 'સરદાર ઉધમ' તાજેતરમાં રિલીઝ થઈ હતી. હવે એ ફિલ્મ 'ધ ઇમોર્ટલ અશ્વત્થામા'માં કામ કરતો જોવા મળશે.