News Continuous Bureau | Mumbai
ટીવી સીરિયલ ‘અનુપમા’માં ધીરજની ભૂમિકા ભજવનાર અભિનેતા નિતેશ પાંડેએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. નિતેશ પાંડેનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. ટીવીથી લઈને બોલિવૂડના સ્ટાર્સે નિતેશ પાંડેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ એવી હતી જે એક સમયે નિતેશની ખૂબ નજીક હતી, પરંતુ અભિનેતાના મૃત્યુ પછી પણ તે વ્યક્તિનું દિલ પીગળ્યું ન હતું. અમે વાત કરી રહ્યા છીએ નિતેશ પાંડેની પહેલી પત્ની અને ટીવી ની ખલનાયિકા અશ્વિની કાલસેકરની.
કોણ છે નિતેશ પાંડેની પહેલી પત્ની અશ્વિની
નિતેશ પાંડેના અવસાન બાદ બોલિવૂડ અને નાના પડદાના ઘણા સ્ટાર્સે અભિનેતા ના અંતિમ દર્શન કર્યા હતા પરંતુ તેમની પહેલી પત્ની અશ્વિની કાલસેકર છેલ્લી વખત પણ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા આવી ન હતી. એટલું જ નહીં, અશ્વિની કાલસેકરે સોશિયલ મીડિયા પર પણ નિતેશ માટે કોઈ પોસ્ટ શેર કરી નથી. જેને જોઈને લાગે છે કે મૃત્યુ પણ બંને વચ્ચેની નફરતને ખતમ કરી શક્યું નથી. નિતેશ પાંડે અને અશ્વિની કાલસેકરે થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. અશ્વિની કાલસેકરે ટીવીની સાથે સાથે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અશ્વિની કાલસેકર ટીવીમાં વેમ્પનું પાત્ર ભજવીને પ્રખ્યાત થઈ હતી, અશ્વિનીએ સીરિયલ ‘કસમ સે’માં જીજ્ઞાસાનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે તેણે સીરિયલ ‘જોધા અકબર’માં મહામંગાનું પાત્ર ભજવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: આ ભૂલને કારણે વૈભવી ઉપાધ્યાયે ગુમાવ્યો પોતાનો જીવ, કુલ્લુના એસપીએ કર્યો ખુલાસો
અશ્વિની પછી નિતેશ પાંડેએ કર્યા હતા બીજા લગ્ન
નિતેશ પાંડે અને અશ્વિની કાલસેકરનું લગ્ન જીવન લાંબુ ટકી શક્યું નહીં અને લગ્નના 4 વર્ષ પછી 2002માં બંને અલગ થઈ ગયા. જે પછી નિતેશ પાંડેએ અભિનેત્રી અર્પિતા પાંડે સાથે લગ્ન કર્યા. તે જ સમયે અશ્વિની કાલસેકરે અભિનેતા મુરલી શર્મા સાથે લગ્ન કર્યા. નિતેશ પાંડેના મૃત્યુ બાદ તેની પત્ની અર્પિતા ભાંગી પડી છે.