ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
ઇઝરાયલના પેગાસસ સ્પાઇવેર દ્વારા ભારતમાં પ્રધાનો, પત્રકારો, વિપક્ષના નેતાઓ, એક ન્યાયાધીશ અને ઉદ્યોગપતિઓ સહિત કુલ ૩૦૦ લોકોના મોબાઇલ હૅક કરાયાનો દાવો મીડિયા અહેવાલોમાં કરાયો છે. આ અહેવાલ ફોરબિડન સ્ટોરીઝ અને એમનેસ્ટી ઇન્ટરનૅશનલ દ્વારા કરવામાં આવેલી એક તપાસના આધારે મીડિયા પાર્ટનર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. રવિવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં કહેવાયું છે કે ભારતના લગભગ ૪૦ પત્રકારોનાં નામ આ યાદીમાં સામેલ છે.
દાવો કરાયો છે કે ૨૦૧૮થી ૨૦૧૯ના કાળમાં પેગાસસ સ્પાઇવેર મારફતે લોકોના વૉટ્સઍપ કૉલ, ફોન કૉલ, રેકૉર્ડિંગ, લોકેશન સહિત અન્ય કેટલીક જાણકારી લેવામાં આવી છે. આ અહેવાલો દ્વારા હવે આગામી સમયમાં પણ ક્રમશ: આ નામોની યાદી પ્રકાશિત કરાશે, એમ જણાવાયું છે. આ યાદીમાં નેતાઓ, પ્રધાનો અને અન્ય ઉચ્ચ હોદ્દેદારોનાં નામ હોઈ શકે છે.
જોકેઆ વાતને ભારત સરકારે રદિયો આપ્યો છે. સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે “ભારત એક મજબૂત લોકતંત્ર છે અને એ પોતાના તમામ નાગરિકોના મૌલિક અધિકાર તરીકે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.” સરકારે સાથેસાથે આ તમામ મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે. આ તપાસ દુનિયાભરથી 50,000થી વધુ ફોન નંબરોના લીક થવાની યાદી પર આધારિત છે.
આ અંગે આજે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે IT પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું હતું કે “પેગાસસ પ્રોજેક્ટ આપણી લોકશાહી અને એની સુસ્થાપિત સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ છે. ભારતમાં કોઈપણ પ્રકારની ગેરકાયદે દેખરેખ શક્ય નથી.” આ મામલે વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. રાહુલ ગાંધીએ આ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું, તો રાજદ અને TMC સહિત બીજી પાર્ટીઓએ સંસદમાં નોટિસ આપી છે.
આ સંદર્ભે વૉટ્સઍપના વડા વિલ કેથકાર્ટે ટ્વીટ કરી જણાવ્યું હતું કે “વધુ કંપનીઓ અને સરકારોએ NSO વિરુદ્ધ પગલાં લેવાની જરૂરિયાત વધી રહી છે.”
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિવાદ વચ્ચે NSO ગ્રુપે પોતાના નિવેદનમાં કહ્યું કે એ રિપૉર્ટ છાપનારાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. આ અહેવાલો ખોટી જાણકારીના આધારે પ્રકાશિત કરાયા હોવાનો કંપનીનો દાવો છે.