ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
હાલના દિવસોમાં ચીનમાં ઉત્સવનું વાતાવરણ છે. દેશની સત્તા પર કબજો કરનારી ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયાં છે. ચારેય બાજુ લાલી છવાયેલી છે. ચીન વિશે એવું કહેવાય છે કે ત્યાંથી જેટલી માહિતી બહાર આવે છે, તેના કરતાં વધારે છુપાયેલી છે. સરકાર અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ જે કંઈ કહે છે, તેનાથી જ દુનિયાએ સંતોષ માનવો પડે છે. મુખ્ય પ્રવાહના પ્રસાર માધ્યમો અથવા સોશિયલ મીડિયા, બધું જ સરકારના નિયંત્રણમાં છે અને આ તમામનું સંચાલન કરે છે CCP. તો ચાલો જાણીએ આ પાર્ટી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો.
એકંદરે લોકો માને છે કે ચીનમાં એક જ રાજકીય પક્ષ છે. એટલે કે માત્ર ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી છે, પરંતુ એવું નથી. કૉમ્યુનિસ્ટ પાર્ટી સિવાય અહીં બીજા 8 રાજકીય પક્ષો છે. જોકેઆ પાર્ટીઓ મરવાના વાંકે જીવે છે અને તેમનું વર્ચસ્વ નહિવત્ છે. રસપ્રદ વાત એ છે કે CCP સિવાયના આ તમામ પક્ષો લોકશાહીમાં માનનારા છે. ચીનના બંધારણ મુજબ – અન્ય પક્ષોને પણ સરકારમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે. આ 8 પક્ષો ફક્ત દરખાસ્તો રજૂ કરી શકે છે. એને સ્વીકારવી કે નહીં તે CCPની ઇચ્છા પર આધારિત છે.
આ પક્ષની રચના 1921માં થઈ હતી, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહિ હોય એક સમયે આ પાર્ટી ચીનનું સર્વસ્વ બની જશે. તેની સ્થાપના ફક્ત 50 લોકો દ્વારા કરવામાં આવી હતી. અહીં બીજી રસપ્રદ વાત એ છે કે આ પાર્ટીના સ્થાપક ચેન દુગ્ઝીયુ અને લી ડેઝાઓ બંનેએ જાપાનમાં માર્ક્સવાદનું પુસ્તકિયું જ્ઞાન મેળવ્યું હતું. 1949માં સિવિલ વૉર પછી જ્યારે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સ્થાપના થઈ ત્યારે એ સમયે 22 મિલિયન લોકો CCPના સભ્ય બન્યા હતા.
તો આ રીતે યોજાશે હજયાત્રા; સાઉદી સરકારે આપી મહત્ત્વપૂર્ણ માહિતી, જાણો વિગત
CCPમાં હાલમાં 3 પાંખો છે, ખેડૂત, કામદારો અને સૈનિકો, જેને વર્ગો પણ કહેવાય છે. પાર્ટીના સભ્યો પણ આ આધારે જ બનાવવામાં આવે છે. વર્ષ 2011ના એક સર્વેમાં બહાર આવ્યું છે કે 15 રાજ્યોની 140 યુનિવર્સિટીઓમાંથી 80% વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આ પાર્ટીનો ભાગ બનવા ઇચ્છે છે. નોંધનીય છે કે પક્ષના સભ્ય બનવું કંઈ ખાવાના ખેલ નથી. આ માટે 20 પગલાંઓની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે, જેના માટે બેથી ત્રણ વર્ષનો સમય લાગે છે.