ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
ઇઝરાયલમાં થયેલા રાજકીય ઘમસાણમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સત્તા છીનવાઈ ગઈ છે. વિપક્ષના ૮ જૂથના ગઠબંધને આખરે સંસદમાં સત્તા સ્થાપી છે. આ ગઠબંધનને કારણે હવે એક પછી એક બે પાર્ટીના નેતા વડા પ્રધાનપદ સંભાળશે. સૌપ્રથમ દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નેફ્ટાલી બેનેટ વડા પ્રધાનપદના શપથ લેશે અને ત્યાર બાદ 2023માં યેશ એટિડ પાર્ટીના યેર લેપિડ વડા પ્રધાન બનશે.
હકીકતે ગત માર્ચ મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં નેતન્યાહુની પાર્ટી બહુમતીનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી. બહુમતી માટે ૧૨૦માંથી ૬૧ બેઠકોની જરૂર હતી, પરંતુ એ નિષ્ફળ નીવડી હતી. બેન્જામિનની સરકારે 2 જૂન સુધી બહુમતી સાબિત કરવાની હતી, પરંતુ એમાં પણ એ વિફળ રહી છે. હવે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે મજબૂત ગઠબંધન થતાં 12 વર્ષ બાદ નેતન્યાહુના શાસનનો સૂરજ આથમી ગયો છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯થી યોજાયેલી ચાર ચુંટણીમાં કોઈ પાર્ટી એકલે હાથે જરૂરી બહુમત મેળવી શકી ન હતી. લેપિડે આ વિશે સ્થાનિક મીડિયાને કહ્યું કે ‘’આ સરકાર ઇઝરાયલના તમામ નાગરિકો માટે કામ કરશે. જે લોકોએ અમને મત આપ્યો અને જેમણે નથી આપ્યો, તેમના માટે પણ અમે કામ કરતાં રહીશું.ઇઝરાયલમાં એકતા બનાવી રાખવાની જવાબદારી સરકારની છે.”