ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કૉન્ગ્રેસના ધારાસભ્ય અને પાલકપ્રધાન અસ્લમ શેખે ઉત્તર મુંબઈમાં બળદગાડું ચલાવ્યું હતું. કૉન્ગ્રેસના આ વિરોધ પ્રદર્શન પર ઉત્તર મુંબઈના સાંસાદ ગોપાલ શેટ્ટીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે તમારું ઉત્તર મુંબઈમાં સ્વાગત છે.
ગોપાલ શેટ્ટીએ અપ્રત્યક્ષ રીતે મહાવિકાસ આઘાડી સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ઉત્તર મુંબઈમાં આંદોલન કરનારા અને મેટ્રોની ટ્રાયલ લેનારાઓનું સ્વાગત છે. તમારું ઉત્તર મુંબઈ તરફ ધ્યાન છે એ બહુ મોટી વાત છે.
કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો દેશમાં એક સરખો જ જાહેર કરે છે, પરંતુ રાજ્ય સરકાર પોતાની રીતે એના પર ટૅક્સ લાગુ કરે છે. એ મુજબ ભાવ વધઘટ થતા હોય છે. જે ઠેકાણે કૉન્ગ્રેસની સરકાર છે, ત્યાં સૌથી વધુ ટૅક્સ છે એવો દાવો ગોપાલ શેટ્ટીએ કર્યો હતો. તેમના કહેવા મુજબ મહારાષ્ટ્રમાં 26.9 રૂપિયાનો ટૅક્સ, દિલ્હીમાં 30 રૂપિયાનો ટૅક્સ છે, જ્યારે ઓરિસ્સામાં ફક્ત 20.6 રૂપિયાનો ટૅક્સ છે. એ પ્રમાણે ગુજરાત અને કર્ણાટકમાં પણ ટૅક્સ ઓછો છે. એથી ત્યાં પેટ્રોલ-ડીઝલ સસ્તાં છે. મહારાષ્ટ્ર સરકાર ટૅક્સ ઓછો કરશે તો નાગરિકોને પાંચથી સાત રૂપિયા પેટ્રોલ-ડીઝલ સસ્તાં મળશે એવું પણ ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું.