ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર
પાકિસ્તાન બાદ ભારતના પાડોશી દેશ શ્રીલંકાની પણ હવે આર્થિક હાલત બગડી રહી છે. શ્રીલંકા હાલ મોટી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને હવે તેની હાલત એવી થઈ ગઈ છે કે, દેશની સરકાર રિઝર્વમાં પડેલું સોનું પણ વેચવા તૈયાર થઈ ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દેશમાં વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ થઈ ગયો છે, જેના કારણે આયાત પર ખરાબ અસર પડી છે. શ્રીલંકા પોતાને નાદારીથી બચાવવા માટે સોનું વેચવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. શ્રીલંકા સોનું વેચીને તેની ઘટતી અર્થવ્યવસ્થાને ટેકો આપી રહ્યું છે.
શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે તેણે ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડારને ધ્યાનમાં રાખીને તેના સોનાના ભંડારનો એક ભાગ વેચી દીધો છે. શ્રીલંકાના અગ્રણી અર્થશાસ્ત્રી અને સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર ડૉ. ડબલ્યુ. વિજેવર્દનેએ તાજેતરમાં એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થયો છે.
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે સેન્ટ્રલ બેંકનું ગોલ્ડ રિઝર્વ $382 મિલિયનથી ઘટીને $175 મિલિયન થઈ ગયું છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર નિવાર્ડ કેબ્રાલે કહ્યું છે કે લિક્વિડ ફોરેન એસેટ (રોકડ) વધારવા માટે શ્રીલંકાએ ડિસેમ્બર 2020માં તેના સોનાના ભંડારનો એક ભાગ વેચ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચીન સાથે કરન્સી સ્વેપ (ડોલરને બદલે એકબીજાના ચલણમાં વેપાર)ને પગલે વર્ષના અંતે સોનાના ભંડારમાં વધારો થયો હતો.
આજે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ આ કારણોસર થશે રદ, આ દેશમાં લેન્ડિંગમાં પણ અડચણો આવશે. જાણો વિગત
ઇકોનોમી નેક્સ્ટના એક અહેવાલ મુજબ, એવો અંદાજ છે કે શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે 2021ની શરૂઆતમાં 6.69 ટન ગોલ્ડ રિઝર્વમાંથી લગભગ 3.6 ટન સોનું વેચ્યું હતું, જેનાથી તેની પાસે લગભગ 3.0 થી 3.1 ટન સોનું હતું. 2020માં પણ સેન્ટ્રલ બેંકે સોનું વેચ્યું હતું. વર્ષની શરૂઆતમાં, ત્યાં 19.6 ટન સોનાનો ભંડાર હતો, જેમાંથી 12.3 ટનનું વેચાણ થયું હતું.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા અત્યારે ભારત તરફ મદદ માટે હાથ લંબાવ્યો છે. હાલ શ્રીલંકાની સરકાર પોતાના દેશને દેવાથી બચાવવા માટે ભારતીય કંપનીઓને રોકાણ કરવાનું કહી રહ્યા છે. જો કે હવેની સ્થિતિ એવી છે કે શ્રીલંકાની પાસે સોનું વેચીને જીવવા સિવાય કોઈ અન્ય ઉપાય નથી.