ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતી ટૂંક સમયમાં જ ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવવા જઈ રહી છે. 26 ઑક્ટોબરે તે એક પૂજામાં જોડાશે અને આ સાથે તે હિન્દુ ધર્મ અપનાવશે. એક અહેવાલ મુજબ આ કાર્યક્રમ મંગળવારે સુકર્ણો હેરિટેજ એરિયામાં યોજાશે. સુકમાવતી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની ત્રીજી પુત્રી છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેગાવતીની નાની બહેન છે. અત્યારે 70 વર્ષીય સુકમાવતી સુકર્ણોની પુત્રી ઇન્ડોનેશિયામાં રહે છે.
થોડા સમય પહેલાં સુકમાવતીએ એક કવિતા શૅર કરી હતી. જેને કટ્ટરવાદીઓએ ઇસ્લામનું અપમાન ગણાવ્યું હતું. આ ઘટના બાદ સુકમાવતીએ પોતાની કવિતા માટે માફી પણ માગી હતી. ઇન્ડોનેશિયામાં ઇસ્લામના અનુયાયીઓ સૌથી વધુ છે. એટલું જ નહીં ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતિ ધરાવતો દેશ પણ છે.
આ રાજ્યના સરકારી કર્મચારીઓનાં કાંડાં પર સ્માર્ટવૉચ બંધાશે : મુખ્ય પ્રધાનનો છે આવો હેતુ; જાણો વિગત
સુકમાવતીના વકીલ વિટારીનો રેઝોપ્રોઝોએ કહ્યું છે કે આનું કારણ છે એની દાદીનો હિન્દુ ધર્મ, તેણે એમ પણ કહ્યું કે સુકમાવતીએ હિન્દુ ધર્મ વિશે ઘણો અભ્યાસ કર્યો છે અને હિન્દુ ધર્મશાસ્ત્રોને સારી રીતે વાંચ્યાં છે. સુકમાવતી ઘણી વાર હિન્દુ ધાર્મિક સમારોહમાં ભાગ લેતી અને હિન્દુ ધાર્મિક વ્યક્તિઓ સાથે વાતચીત કરતી. હવે 26 ઑક્ટોબરે બાલી અગુંગ સિંગારાજામાં 'શુદ્ધિ વદાની' નામનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અહીં તે હિન્દુ ધર્મ અપનાવશે.