ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
પાકિસ્તાની ટેલિવિઝન સ્ટેશને એક લોકપ્રિય ટૉક શોના ઍન્કર હમીદ મીરને તેના પદ પરથી બરતરફ કર્યો છે. આ પત્રકારે દેશના શક્તિશાળી સૈન્યની ટીકા કર્યા પછી ૩૧ મેના રોજ આ નિર્ણય લેવાયો હતો. હકીકતે ઇસ્લામાબાદમાં એક સાથી રિપૉર્ટર અસદ અલી ટૂરને ત્રણ અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. ત્યાર બાદ તેના સમર્થનમાં કઢાયેલી રેલીમાં જલદ ભાષણ કર્યું હતું અને પાકિસ્તાની આર્મીની ટીકા કરી હતી.
જિયો ન્યુઝ ટીવીએ આ સંદર્ભમાં થયેલા ફેરફારો અંગે કોઈ ટિપ્પણી કરી નથી. પત્રકારો અને પ્રેસની સ્વતંત્રતાના હિમાયતીઓ પાકિસ્તાની સૈન્ય અને તેની એજન્સીઓ પર પત્રકારોને પજવવા અને હુમલો કરવાનો આરોપ લગાવતા હોય છે. ટ્વિટર પર એક નિવેદનમાં, એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે મીર પરના પ્રતિબંધની નિંદા કરી હતી અને લખ્યું હતું કે "સેન્સરશિપ, પરેશાની અને હિંસા પત્રકારોને તેમની નોકરી કરવા માટે મળતું વળતર ન હોવું જોઈએ.”
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મીરને બે વખત બૅન કરવામાં આવ્યો હતો અને જિયો ન્યુઝે તેને આ પહેલાં પણ પદભ્રષ્ટ કર્યો હતો.