News Continuous Bureau | Mumbai
મહાશિવરાત્રી એટલે ભગવાન શિવજી આરાધના દિવસ. આજે મહાશિવરાત્રીના દિવસે દેશભરના શિવ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે દેશના અલગ-અલગ ભાગમાં ભગવાન શિવજીના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. તેમને દ્વાદશ જ્યોતિર્લિંગના નામે પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગના દર્શન, પૂજા, આરાધનાથી ભક્તોના જન્મ-જન્માતરના બધા પાપ ધોવાઇ જાય છે. તો આજે મહાશિવરાત્રી ના પાવન પર્વ કરો બારેંય જ્યોતિર્લિંગના દર્શન..
આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, વૈદ્યનાથ.

સોમનાથ
1. સોમનાથ:-
સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું.

નાગેશ્વર
2.નાગેશ્વર:-
દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લીંગની ઋગ્વેદની કથા પણ ખુબ જ રોચક છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લીંગની કથાનું વર્ણન છે. દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રિયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે ॐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેને જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શીખવાડી દીધુ હતું. તે બધાની ભક્તિભાવનો પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયા પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.

મહાકાલેશ્વર
3. મહાકાલેશ્વર:-
ઉજ્જૈન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે. એટલા માટે આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે. મહાકાલ જ્યોતિર્લીંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યું કે બીમારીનો ભય રહેતો નથી. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લિંગ દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્વવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

મલ્લિકાર્જુન
4. મલ્લિકાર્જુન :-
આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવગણ નંદીએ અહીયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લીંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચપાંડવ લિંગની સ્થાપના અહીયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતાં હતાં.

ભીમશંકર
5. ભીમશંકર
મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભમવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યાતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.

ઓમકારેશ્વર
6. ઓમકારેશ્વર
મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે- ઓમકારેશ્વર અને મમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છુટુ પડી ગયું હતું. ઓમકારેશ્વરની ખાસીયત એ છે કે અહીંયાનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. આ જ્યોતિર્લીંગનો આકાર ઓમ જેવો છે એટલે જ એ ઓમ કારેશ્વરથી ઓળખાય છે. ઓમ શબ્દની ઉત્પતિ બ્રહ્માજીના મુખેથી થઇ છે એટલે જ કોઇપણ ધાર્મિક પાઠનું ઉચ્ચારણ ઓમ દ્વારા જ શરૂ થાય છે.
ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

કેદારનાથ
7. કેદારનાથ :
ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે. એવી કથા છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા. કુરુક્ષેત્રમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોએ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવની કાશીમાં આરાધના કરી પરંતુ શિવે પાંડવોની પરીક્ષા કરવા કેદારનાથ આવીને નંદીનું રૃપ ધારણ કરી લીધું હતું . ભીમે તેમને ઓળખી લીધા અને પીછો કર્યો પરંતુ શિવજી ત્યાંથી કૂદીને અંતરધ્યાન થઈ ગયા. ત્યાં માત્ર નંદીનાં ખરીનાં નિશાન રહી ગયાં.જ્યાં આજે શિવલિંગ ઊભું છે. આદિ શંકરાચાર્યનું આ મહત્ત્વનું સ્થાન રહ્યું હતું.

કાશી વિશ્વનાથ
8. કાશી વિશ્વનાથ :
કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે. કાશીમાં સ્થાપિત જ્યોતિર્લિંગ બ્રહ્માંડીય ડિંબના રૃપમાં પૂજવામાં આવે છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી. કાશી આમ પણ ચારધામમાંનું મહત્ત્વનું ધામ છે. જ્યાં સાક્ષાત્ ભગવાન વિશ્વનાથ બિરાજે છે.

ત્ર્યંબકેશ્વર
9. ત્ર્યંબકેશ્વર :
ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે. અહીંના શિવલિંગની ઉત્પત્તિની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપો દૂર કરવા માટે ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. લોકો મહારાષ્ટ્રમાં નાસિક,શિરડી અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ખૂબ જાય છે.

વૈદ્યનાથ
10. વૈદ્યનાથ :
મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે. અહીંના શિવલિંગની સ્થાપના ઋષિ માર્કંડેયની કથા સાથે વણાયેલી છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવ દિવ્ય ચિકિત્સક વૈદ્યનાથ તરીકે આ જગ્યાએ પ્રગટ થયા હતા આથી તે સ્થાન વૈદ્યનાથ ધામ તરીકે ઓળખાયું હતું.

રામેશ્વરમ્
11. રામેશ્વરમ્ :
તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ સ્થાન ભગવાન રામ અને શિવજીના મહિમાને અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે રામે રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે અહીં દરિયાકિનારે માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક રાજાઓેએ તેનું સમારકામ અને નિર્માણકામ કરાવેલું છે.

ધૃષ્ણેશ્વર
12. ધૃષ્ણેશ્વર.
મહારાષ્ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદ પાસે આવેલું આ જ્યોતિર્લીંગ આત્મશાંતિ માટે પ્રચલિત છે. ધૃષ્મેશ્વર અથવા ધૃષ્ણેશ્વર મહાદેવના નામથી પણ આ જ્યોતિર્લીંગ પ્રચલિત છે. બૌધ્ધ ભિક્ષુકો દ્વારા નિર્મિત ઇલોરાની ગુફાઓ આ ધામની નજીક છે. અહીં ગુરૂ એકનાથની અને શ્રી જર્નાદન મહાજની સમાધી પણ છે. આ સ્થાન સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ઘુષ્મા નામની સ્ત્રીની શિવભક્તિને કારણે તેના પુત્રને શિવજીએ બચાવ્યો હતો તેથી તેનું નામ ઘુશ્મેશ્વર પડયું હોવાનું કહેવાય છે. આ તીર્થસ્થાન ઓછું જાણીતું છે પરંતુ તેનું મહત્ત્વ અને મહિમા જરાય ઓછો નથી.