પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા, વૈરાગ્ય, અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ
શુકદેવજીને માન આપે છે. જન્મ થતાં વેંત શુકદેવજી વન તરફ જવા લાગ્યા. વાટીકાદેવીએ પ્રાર્થના કરી કે મારો દીકરો નિર્વિકાર
બહ્મરૂપ છે. તે મારી પાસેથી દૂર ન થાય. તેને રોકો, વ્યાસજી સમજાવે છે કે જે આપણને ખૂબ ગમે તે પરમાત્માને અર્પણ કરવું. તે
જગતનું કલ્યાણ કરવા જાય છે. તે પછી વ્યાસજી પણ વિહવળ થયા. વ્યાસજી વિચારે છે હવે જાય છે તે પાછો આવવાનો નથી.
મહાન જ્ઞાની હતા છતાં પુત્રની પાછળ પાછળ દોડે છે. વ્યાસ નારાયણ શુકદેવજીને બોલાવે છે. હે પુત્ર. હે પુત્ર. પાછો વળ, મને
છોડીને જઈશ નહિ. હું તને લગ્ન કરવા આગ્રહ નહિ કરું. પરંતુ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં શુકદેવજી સઘળાનું ભાન ભૂલ્યા છે,
ત્યાં હવે કોણ પિતા? કોણ માતા? લૌકિક સંબંધનું વિસ્મરણ થાય છે, ત્યારે બ્રહ્મસંબંધ થાય છે. લૌકિક સંબંધનું સ્મરણ હોય
ત્યાં સુધી ઇશ્વરમાં આસક્તિ થતી નથી.
સર્વ વ્યાપક થયેલા શુકદેવજીએ વૃક્ષો દ્વારા જવાબ આપ્યો. હે મુનિરાજ! તમને પુત્રના વિયોગથી દુ:ખ થાય છે. પણ
અમને જે કોઈ પથ્થર મારે તેને અમે ફળ આપીએ છીએ. વૃક્ષનો પુત્ર છે ફળ. પથ્થર મારનારને ફળ આપે એ જ વૈષ્ણવ. તો તમે
પુત્ર વિયોગથી શું કામ રડો છો? તમારો પુત્ર જગતનું કલ્યાણ કરવા જાય છે. વ્યાસજી હજી વ્યગ્ર છે. ત્યારે શુકદેવજીએ કહ્યું, આ
જીવ અનેકવાર પુત્ર બન્યો, અનેકવાર પિતા બન્યો છે. વાસનામાં બંધાયેલો જીવ અનેક વાર પિતા, પુત્ર, સ્ત્રી, બને છે. અનેકવાર
પૂર્વજન્મના શત્રુઓ ઘરમાં આવે છે, વાસનાના કારણે દાદો જ પૌત્ર તરીકે આવે છે. વાસના જ પુનઃજન્મનું કારણ બને છે.
પિતાજી, તમારા મારા અનેક જન્મો થયા છે. પૂર્વજન્મ યાદ રહેતો નથી એ જ સારું છે. પિતાજી, તમે મારા પિતા નથી. હું તમારો
પુત્ર નથી. તમારા અને મારા સાચા પિતા નારાયણ છે. વાસ્તવિક રીતે જીવનનો સાચો સંબંધ ઇશ્વર સાથે છે. પિતાજી, મારી
પાછળ ન પડો. ભગવાન પાછળ પડો. પિતાજી, તમારું જીવન પરમાત્મા માટે બનાવો. મને જે આનંદ મળ્યો છે, તે આનંદ
જગતને આપવા હું જાઉ છું. ત્યાંથી શુકદેવજી નર્મદા કિનારે આવ્યા. શુકદેવજીએ વ્યાસજીને કહ્યું, આ કાંઠે હું બેસું છું. સામે કાંઠે
તમે બિરાજો, પિતાજી મારું ધ્યાન ન કરો. દૂરથી ભલે મને નિહાળો પણ ધ્યાન તો પરમાત્માનું જ કરો. જે પરમાત્મા પાછળ પડે
છે તે જ્ઞાની. પૈસા પાછળ ન પડો પણ પરમાત્મા પાછળ પડો. ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પણ પરમાત્માની પાછળ
પડશો તો સાંભળેલી કથા સાર્થક થશે. આ જીવ નર નારાયણની પાછળ પડે તો કૃતાર્થ થાય છે. વ્યાસજી પત્નીને સમજાવે છે,
તને શુક ખૂબ ગમે છે તે અંતર્યામીને અર્પણ કરજે. જે ખૂબ ગમતું હોય તે પ્રભુને આપીએ, તો આપણે પ્રભુને ગમીએ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯
આવા સર્વના હ્રદયમાં રહેનાર મારા સદ્ગુરુ શ્રી શુકદેવજીનાં ચરણમાં હું વારંવાર વંદન કરું છું.
સૂતજીએ શુકદેવજીને પ્રણામ કરી, આ કથાનો આરંભ કર્યોં છે.
એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકજીએ સૂતજીને કહ્યું-આજદિન સુધી કથાઓ બહુ સાંભળી. હવે કથાનું સાર તત્ત્વ
સાંભળવાની ઇચ્છા છે. અમારે હવે કથા સાંભળવી નથી. સર્વ કથાનો સાર સંભળાવો. કથાસારં મમ કર્ણરસાયનમ્ । એવી કથા જ
સંભળાવો કે જેથી અમારી શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ દૃઢ થાય, અમને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય. માખણ એ સર્વનો સાર છે. ઠાકોરજીને
માખણ બહુ ભાવે છે.
લાલાને માખણ ભાવે રે, બીજું કાંઈ કામ ન આવે રે. માખણ એ સર્વનો સાર છે. પરમાત્મા સારભોગી છે. અત્યાર સુધી બહુ
પુસ્તકો વાંચ્યાં. જેણે પરમાત્માને પ્રાપ્ત કરવા છે, તેવા સાધકને માટે આજ્ઞા છે કે તે ઘણાં ગ્રંથ ન વાંચે, અનેક ગ્રંથો વાંચવાથી
બુદ્ધિમાં વિક્ષેપ થાય છે, અમારા બાલકૃષ્ણ સારભોગી છે, તેથી વૈષ્ણવો સારભોગી છે. સર્વ કથાઓનું સાર તત્વ સાંભળવાની
ઇચ્છા છે.
જીવ પ્રકૃતિ છોડે અને શ્રી કૃષ્ણમાં મન જોડે તો જીવ પણ શિવ બને.