પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
દેવોને અપરોક્ષતા બહુ પ્રિય છે. લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી. સંસારના વિષયો મનમાં રાખે તે જ
ચિત્રકેતુ છે. સંસારના ચિત્રો જેના મનમાં બેસી ગયા છે તે ચિત્રકેતુ છે. તે મન જ્યારે વિષયોમાં તન્મય બને છે, ત્યારે તેની
મનોવૃત્તિ કરોડગણી બને. એટલે તે એક કરોડ રાણી સાથે રમણ કરે છે તેવો અર્થ થાય.
ભાગવતમાં અનેકવાર આવા પ્રસંગો આવે છે. તેના વકતાશ્રોતા વિચાર કરે. તેનો લક્ષ્યાર્થ શું છે તે વિચારે. વ્યાસજી
અતિશયોક્તિ પણ કરે છે. હિરણ્યાક્ષના મુકુટનો અગ્રભાગ સ્વર્ગ ને સ્પર્શ કરતો હતો અને એના શરીરથી દિશાઓ આચ્છાદિત થઈ
જતી હતી દહાડે દહાડે વધે છે તે તત્ત્વ બતાવવાનો આનો ઉદ્દેશ છે. લોભનું આ વર્ણન છે.
સત્કર્મમાં વિઘ્ન આવે છે, તેથી સાત દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે, સૂત અને શૌનકાદિકની કથા એક હજાર દિવસ
ચાલેલી. વિઘ્ન ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણપતિ મહારાજને વંદન કરે છે. તે પછી સરસ્વતીને વંદન કરે છે.
સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે. સદ્ગુરુને વંદન કરે છે. તે પછી ભાગવતના પ્રધાનદેવ શ્રીકૃષ્ણને વંદન કરે છે.
ભાગવતશાસ્ત્રની રચના થયા પછી આ ગ્રંથનો પ્રચાર કોણ કરશે? વ્યાસજીએ વૃદ્ધાવસ્થામાં આ ગ્રંથની રચના કરી છે
એટલે પોતે આ ગ્રંથનો પ્રચાર કરી શકવાનાં નથી. વૃદ્ધાવસ્થામાં ભાગવતશાસ્ત્રની રચના કર્યા પછી તેમને ચિંતા થઇ, આ શાસ્ત્ર હું
કોને આપું? ભાગવત મેં માનવસમાજના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. બહુ
બોલ્યો, બહુ લખ્યું, હવે સંપૂર્ણ પણે ઇશ્વર સાથે તન્મય થવું છે. પ્રભુથી વિખૂટા પડેલા જીવો મારા શ્રીકૃષ્ણની સન્મુખ આવે તે
માટે મેં ભાગવતશાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમશાસ્ત્ર છે. આ પ્રેમશાસ્ત્રનો પ્રચાર જે અતિશય વિરક્ત હોય તે જ કરી શકે.
શ્રીકૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. એવો કોણ મળે? સંસારના કોઈ વિષયો પ્રત્યે રાગ ન હોય
તેવો જન્મથી વૈરાગી કોણ મળે? સંસારસુખ ભોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો
કોણ મળે? કોઇ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં, જેથી તે જગતનું કલ્યાણ કરે. આવા વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષણા
જાગી છે. ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્રરૂપે આવે તો આ કાર્ય થાય. રુદ્રનો
જન્મ છે પણ મહારુદ્રનો જન્મ નથી. ભગવાન શિવ પરબહ્મ છે. તેમનો જન્મ નથી. શિવજી મહારાજ જન્મ ધારણ કરે તો આ
ભાગવતનો પ્રચાર કરે. ભાગવતશાસ્ત્રનો પ્રચાર શિવજી જ કરી શકે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮
વ્યાસજીએ શંકરની આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન
થયા, વ્યાસજીએ માંગ્યુ:-સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો, તે જગતને આપવા આપ મારે ઘરે પુત્રરૂપે પધારો. ભગવાન
શંકરને આ સંસારમાં આવવું ગમતું નથી. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે. કોલસાની ખાણમાં જાય તો હાથપગ કાળા થયા
વિના ન રહે. વ્યાસજીએ કહ્યું મહારાજ! તમને આવવાની જરૂર નથી લાગતી પણ અનેક જીવોનું કલ્યાણ કરવાં આપ આવો.
તમારુ માયા શું બગાડી શકવાની હતી? શિવજીએ વિચાર્યું, સમાધિમાં હું આનંદનો અનુભવ કરું છું તે જગતને ન આપું તો હું
એકલપેટો ગણાઉં. મારે જગતને સમાધિના આનંદનું દાન કરવું જોઇએ. શિવજી અવતાર લેવા તૈયાર થયા, શુક્દેવજી ભગવાન
શિવનો અવતાર હતા, એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે. જે જન્મથી વિરકત હોય તે સોળ આની વૈરાગી કહેવાય.
શુક્દેવજીમાં સંપૂર્ણ વૈરાગ્ય છે.
જ્ઞાની પુરુષો માયાનો સંગ રાખતા નથી. જ્ઞાની પુરુષો માયાથી અસંગ રહેવા પ્રયત્ન કરે છે.
શુકદેવજીના જન્મની કથા અન્ય પુરાણોમાં છે. શુકદેવજી સોળ વર્ષ સુધી માના પેટમાં રહ્યાં છે. માના પેટમાં સોળ વર્ષ
સુધી પરમાત્માનું ધ્યાન કર્યું છે. વ્યાસજીએ પૂછ્યું કે તું કેમ બહાર આવતો નથી? શુકદેવજીએ જવાબ આપ્યો. હું સંસારના ભયથી
બહાર આવતો નથી. મને માયાની બીક લાગે છે. દ્વારકાનાથે આશ્વાસન આપ્યું કે મારી માયા તને વળગી શકશે નહિ. તે પછી
શુકદેવજી માતાના ગર્ભ માંથી બહાર આવ્યા.