પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
કથા જીવનને સુધારે છે, જીવનમાં પલટો કરે છે. કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ન થાય, તો માનજો કે કથા
બરાબર સાંભળી નથી. કથા મુક્તિ આપે છે એ વાત સાચી છે. રોજ મત્યુને એક બે વાર યાદ કરો. કદાચ આજે મને યમદૂત
પકડવા આવશે તો મારી શું દશા થશે? એમ રોજ વિચારો, તો પાપ થશે નહિ. મનુષ્ય રોજ મરણનો વિચાર કરતો નથી પણ રોજ
ભોજનનો વિચાર કરે છે.
આ ભાગવત શાસ્ત્રના મહિમાનું વર્ણન ઘણાં પુરાણોમાં કરવામાં આવ્યું છે, પણ નિયમ એવો છે કે પદ્મપુરાણાન્તર્ગત
મહાત્મ્યનું વર્ણન કરવું.
આ ભાગવત કથાનું માહાત્મ્ય એકવાર સનતકુમારોએ નારાદજીને કહી સંભળાંવ્યું હતું. મહાત્મ્ય એવું લખ્યું છે કે મોટા
મોટા ત્રષિઓ, દેવો, બ્રહ્મલોક છોડી વિશાલા ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે. કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતાં
પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે. સત્સંગી પોતે તરે છે, અને સંગમાં આવેલાં સર્વને તારે છે.
બદ્રિકાશ્રમમાં સનતકુમારો પધાર્યા છે, જેને લોકો બદ્રિકાશ્રમ કહે છે તે વિશાલા ક્ષેત્ર છે. સ્કંદ પુરાણમાં કથા છે કે
બદ્રિનારાયણ વિશાલા રાજાને માટે પધાર્યા હતા. પુંડલિકને માટે વિઠ્ઠલનાથ આવ્યા. જે ભકતને માટે ભગવાન આવે તે ધન્ય.
બદ્રિનારાયણ તપ અને ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે. તે બતાવે છે કે હું ઈશ્વર છું છતાં તપ ધ્યાન કરું છું. તપશ્ચર્યા વગર
શાંતિ મળતી નથી. જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી, તેથી ભગવાન આદર્શ બતાવે છે. બાળક દવા લેતો નથી ત્યારે મા
દવા ખાય છે. માને દવા ખાવાની જરૂર નથી, પણ બાળકને સમજાવવા તે દવા ખાય છે.
બદ્રિનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. સ્ત્રીસંગ, દ્રવ્યસંગ અને બાળકોસંગ તપશ્ચર્યામાં
વિઘ્નરૂપ છે. આમાં સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે. કોઈ સ્ત્રી, બાળકોનો ત્યાગ કરવાનું નથી એટલે કહેવું પડે છે કે
ઘરમાં સ્ત્રી-બાળકો વચ્ચે રહીને ભગવાનનું ભજન કરજો. તેવી જ રીતે તપસ્વિની સ્ત્રી માટે પુરુષનો સંગ તાજ્ય છે.
એકદા હિ વિશાલાયાં ચત્વાર ઋષયોડમલા: ।
સત્સઙ્ગાર્થં સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ્ ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨
એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જયાં સનતકુમારો બિરાજતા હતા ત્યાં આવ્યા, ત્યાં સનકાદિ ઋષિઓ
અને નારદજીનું મિલન થયું. નારાદજીનું મુખ ઉદાસ જોઇ તેઓએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું.
સનકાદિકે નારદજીને પૂછ્યું:-આપ ચિંતામાં કેમ છો? કૃતશ્ચિન્તાતુરો ભવાન્ તમે હરિદાસ છો. શ્રીકૃષ્ણના દાસ કદી
થાય નહિ ઉદાસ. વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે. ચિંતા ન કરે એ જ વૈષ્ણવ. વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે. તેમ છતાં તમે પ્રસન્ન
કેમ નથી? નારદજીએ કહ્યું મારો દેશ દુ:ખી છે. સત્ય, તપ, દયા, દાન રહ્યાં નથી. મનુષ્ય બોલે છે કાંઇ, મનમાં હોય છે કાંઈ અને
કરે છે કાંઈ. વધુ શું કહું? ઉદરમ્ભરિણો જીવા ।। જીવો માત્ર પેટભરા અને સ્વાર્થી બની ગયા છે.
સમાજમાં કોઇને સુખ શાંતિ નથી. મેં અનેક જગ્યાએ ભ્રમણ કર્યું, પણ મને શાંતિ મળી નથી. આજે દેશ દુ:ખી થયો છે.
દેશ કેમ દુઃખી છે તેનાં અનેક કારણો નારદજીએ બતાવ્યા છે, દેશ જયાં સુધી ધર્મ અને ઇશ્વરને ન માને, ત્યાં સુધી સુખી થતો
નથી. જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી, તેને જીવનમાં શાંતિ નથી. ધર્મ અને ઇશ્વરને ભૂલનારો માનવ કોઈ દિવસ સુખી
થતો નથી.
જગતમાં હવે ધર્મ રહ્યો નથી. નારદજીએ દુ:ખથી કહ્યું છે. આ જગતમાં હવે સત્ય રહ્યું નથી. સત્યં નાસ્તિ, જગતમાં
અસત્ય બહુ વધ્યું છે. અસત્ય સમાન કોઇ પાપ નથી. ઉપનિષદમાં લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે જ છે. પણ
અસત્ય બોલનારના પુણ્યનો પણ ક્ષય થાય છે. ખરો આનંદ મળે તેવી ઈચ્છા હોય તો સત્યમાં ખૂબ નિષ્ઠા રાખવી. અસત્ય
બોલનારો સુખી થયો નથી અને થવાનો નથી.
તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો.
જગતમાં કયાંય પવિત્રતા દેખાતી નથી. કપડાં અને શરીર ચોખ્ખા રાખો છો, તેવી રીતે મનને પણ પવિત્ર રાખો, સ્વચ્છ
રાખો. મનુષ્ય શરીર, કપડાંને સ્વચ્છ રાખે છે પણ મનને સ્વચ્છ રાખતો નથી. મનને ખૂબ પવિત્ર રાખો, કારણ કે મન તો મર્યા
પછી પણ સાથે આવવાનું છે.