પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
જગતમાં કયાંય નીતિ દેખાતી નથી. અનીતિથી ખૂબ ભેગું કરવું છે અને કુમાર્ગે વાપરવું છે. કુંટુંબ સુખ સિવાય બીજું કોઇ
સુખ છે કે નહીં, તેનો વિચાર પણ મનુષ્ય કરતો નથી. તે વિચારે છે, આ પૈસાથી કુટુંબને સુખી કરીશ. ઇન્દ્રિયોનો એવો ગુલામ
બને છે કે તેને પવિત્ર વિચાર પણ આવતો નથી, શરીર અને ઈન્દ્રિયોનાં સુખમાં મનુષ્ય એવો ફસાયો છે, કે શાંતિથી વિચાર પણ
કરતો નથી કે ખરો આનંદ કયાં છે અને તે કેમ મળે.
જીવનમાં જયાં સુધી કોઇ લક્ષ્ય નકકી કરશો નહિ, ત્યાં સુધી પાપ અટકશે નહી. જે લક્ષ્યને લક્ષમાં રાખે તેનાથી પાપ
થાય નહીં, પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની ખબર નથી. મંદ બુદ્ધિવાળો તે જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી.
જગતમાં અન્નવિક્રય થવા લાગ્યો છે, જગતમાં પાપ બહુ વધી ગયું, તેથી ધરતીમાતા અન્ન ગળી ગયાં છે. અન્નવિક્રય એ
પાપ છે. જ્ઞાનનો વિક્રય થવા લાગ્યો છે. જ્ઞાનનો વિક્રય ન કરો. બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે, અન્નદાન
કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. તેથી કાયમની શાંતિ થાય છે. અન્નવિક્રય,જ્ઞાનવિક્રય થવા લાગ્યાં, ત્યારથી પવિત્રતા રહી નથી
અને પાપ વધ્યું છે.
મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું છે.
દુનિયામાં મને કયાંય શાંતિ જોવામાં આવી નહિ. આ પ્રમાણે કળીયુગનો દોષ જોતા ફરતાં ફરતાં હું વૃંદાવન આવ્યો, ત્યાં
એક કૌતુક જોયું. મેં એક યુવતીને જોઈ અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છામાં પડેલા જોયા. તે સ્ત્રી ચારે તરફ જોતી હતી. તે
સ્ત્રીએ મને બોલાવ્યો એટલે હું તેની પાસે ગયો સાધુપુરુષ કોઇ સ્ત્રી પાસે ન જાય. એટલે બોલાવ્યા વગર નારાદજી તે સ્ત્રી પાસે
ગયા નહીં.
તે સ્ત્રીએ મને કહ્યું કે હે સાધો! ઊભા રહો. ક્ષણં તિષ્ઠ ।
બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો. સાધનીતિપરકાર્યાંણિ પ્રાણદાનેન ઈતિ સાધુ: । સુવર્ણ કરતાં સમયને કિંમતી
ગણે તે સાધુ. જેને સમયની કિંમત નથી તે અંતઃકાળે ખૂબ પસ્તાય છે. કોઈની એક ક્ષણ પણ બગાડો નહીં એટલે એક ક્ષણ ઊભા
રહેવા કહ્યું. મે પૂછ્યું દેવી, તમે કોણ છો?
તે સ્ત્રીએ કહ્યું:- મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે. તેઓ વૃદ્ધ થઇ ગયા છે.
ઉત્પન્ના દ્રવિડે સાહં વૃદ્ધિં કર્ણાટકે ગતા ।
ક્વ ચિત્ક્ ચિન્મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩
મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. મહાન આચાર્યોં દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. ભગવાન શંકરાચાર્ય, ભગવાન
રામાનુજાચાર્ય, ભગવાન માધવાચાર્ય, ભગવાન વલ્લભાચાર્ય દક્ષિણમાં થયા છે, દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે.
કર્ણાટકમાં મને પોષણ મળ્યું. હું વૃદ્ધિ પામી, આચાર વિચાર જયાં શુદ્ધ હોય, ત્યાં ભક્તિને પુષ્ટિ મળે છે. આચાર
વિચાર શુદ્ધ હોય, તો ભક્તિ થઈ શકે છે. કર્ણાટકમાં હજુ સદાચાર છે. આચાર વિચાર વધારે જોવા મળે છે. વ્યાસજીને કર્ણાટક
પ્રત્યે પક્ષપાત ન હતો પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું. હજુ કર્ણાટકમાં લાકો નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી
નહિ. મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશીને દિવસે કરો.
મહારાષ્ટ્રમાં કોઇ કોઇ ઠેકાણે મારું સન્માન થયું. મહારાષ્ટ્રમાં ભક્તિને કોઈ કોઈ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા
સ્થળમાં ભક્તિ જોવા મળે છે અને ગુજરાતમાં હું જીર્ણ થઇ. ગુર્જરે જીર્ણતાં ગતા । ગુજરાતમાં મારા બે પુત્રો સાથે હું વૃધ્ધ થઇ.
પૈસાના દાસ પ્રભુના દાસ થઈ શક્તા નથી. જીવનમાં પ્રધાનપણે કંચનનો મોહ લાગ્યો છે. ભક્તિ તેથી છિન્નભિન્ન થઇ છે.
ભક્તિના પ્રધાન નવ અંગ છે. પહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી.
સાંભળ્યું હોય તેનું મનન કરવું. મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય.
કથા સાંભળવાથી પાપ બળે છે, પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે. શ્રવણભક્તિ છિન્નભિન્ન થઇ છે.
કારણ મનન રહ્યું નથી. મનન ન કરવાથી શ્રવણ સફળ થતું નથી.