પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
મનનના અભાવે શ્રવણભક્તિ ક્ષીણ થઈ છે.
કીર્તનભક્તિ રહી નથી. કીર્તનમાં કીર્તિનો અને કંચનનો લોભ આવ્યો, ત્યારથી કીર્તનભક્તિ બગડી.
ધનનો લોભ છુટવા કરતાં કીર્તિનો મોહ છુટવો કઠિન છે. કીર્તિનો મોહ જ્ઞાનીને પણ પજવે છે. હું મારા મનને સમજાવું
છું, જ્યાં સુધી તમે તમારા મનને નહીં સમજાવો, ત્યાં સુધી તે માનશે નહિ.
કથા કીર્તનમાં અનાયાસે જગત ભુલાય છે. મનુષ્ય સર્વ છોડી માળા લઇને બેસે છે ત્યારે જગત યાદ આવે છે. કથામાં
બેસો ત્યારે સંસાર, વ્યવહારના વિચારો મનમાંથી કાઢી નાંખો. હું મારા શ્રીકૃષ્ણનાં ચરણમાં બેઠો છું એવી ભાવના કરો.
કીર્તનભક્તિ નિષ્કામ હોવી જોઇએ. તુલસીદાસજીએ કહ્યું છે. સ્વાન્ત સુખાય મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું
સુખ મળે છે તેની મને ખબર નથી. પણ મારા મનને આનંદ મળે છે, તેથી કથા કરું છું.
અભિમાન વધ્યું, વંદન ભક્તિનો વિનાશ થયો. સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી
વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ ભક્તનું લક્ષણ બતાવ્યું છે કે સકળ લોકમાં સહુને વંદે.
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન…
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે'ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન…
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન…
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.. વૈષ્ણવ જન….
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યાં રે… વૈષ્ણવ જન…
(વાચ-વાણી,કાછ-બ્રહ્નચર્ય,તૃષ્ણા-કામના,વણલોભી-લોભરહિત)
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૪
વંદન કરે એ વૈષ્ણવ. વંદન માગે એ વૈષ્ણવ નહીં. અંદર હું પણું હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.
આજ કાલ લોકો દેહની પૂજા બહુ કરે છે એટલે ઠાકોરજીની પૂજા સેવા કરવાનો તેમને સમય મળતો નથી, દેહ પૂજા વધી
એટલે દેવ સેવા ગઈ. લોકોએ અનેક પ્રકારના સાબૂ શોધી કાઢયા છે. બહુ સાબૂ ઘસવાથી શરીરનો આ રંગ સુધરવાનો નથી. પ્રભુએ
જે રંગ આપ્યો છે તે સાચો છે. મનુષ્ય બહુ વિલાસી થયો તેથી અર્ચન ભક્તિનો વિનાશ થયો. શરીરને લોકો શણગારવા લાગ્યા,
ત્યારથી અર્ચન ભક્તિ ગઇ. માટે જીવન સાદું રાખો.
આવી રીતે ભક્તિના એકેએક અંગનો વિનાશ થયો. એટલે જીવ ઇશ્વરથી વિભક્ત થયો, ઠાકોરજીથી વિમુખ થયો.
બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્નભિન્ન થઈ એટલે જીવન વિભક્ત થયું.
ભક્તિનાં બે બાળકો છે જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરો. જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા
આવે છે ત્યારે ભક્તિ પણ રડે છે. કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થાય છે એટલે કે વધતાં નથી. જ્ઞાન પુસ્તકમાં આવીને રહ્યું,
ત્યારથી જ્ઞાન ગયું.
નારદજી કહે છે, જ્ઞાન અને વૈરાગ્યને કેમ મૂર્છા આવી તે હું જાણું છું. આ કાળમાં જગતમાં અધર્મ વધ્યો છે તેથી તેઓને
મૂર્છા આવી છે. પરંતુ વૃંદાવનની પ્રેમ ભૂમીમાં એને પુષ્ટિ મળશે.
કળિયુગમાં જ્ઞાન-વૈરાગ્યની ઉપેક્ષા થઈ છે એટલે તે ઉત્સાહ વગરના વૃદ્ધ થયા છે. જ્ઞાન, વૈરાગ્ય સાથે હું ભક્તિને
જગાડીશ. જ્ઞાન-વૈરાગ્ય સાથે હું ભક્તિનો પ્રચાર કરીશ. નારદજીએ જ્ઞાન-વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા પણ કાંઇ
વળતું નથી. વેદોના અનેક પારાયણ કર્યાં તો પણ જ્ઞાન-વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. વેદની ભાષા ગૂઢ છે. વેદનો અર્થ જલ્દી
સમજાતો નથી. એટલે વેદોના પારાયણ કરવાથી મૂર્છા ઉતરી નહીં.