પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
જરા વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આ કથા દરેકના ઘરમાં થાય છે. આપણું હ્રદય એ વૃંદાવન છે. હ્રદય-
વૃંદાવનમાં કોઇ કોઈ વખત વૈરાગ્ય જાગે છે પણ તે જાગૃતિ કાયમ રહેતી નથી. ઉપનિષદના અને વેદના પાઠથી આપણા હ્રદયમાં
કવચિત્ જ્ઞાન વૈરાગ્ય જાગે છે, પણ તે ફરીથી મુર્છામાં પડે છે. વેદના પારાયણથી વૈરાગ્ય આવે છે. કામસુખ ભોગવ્યા પછી
કેટલાકને વૈરાગ્ય આવે છે. સંસારના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે, પણ તે ટકતો નથી. વિષય ભોગવે એટલે તેના પ્રત્યે
અરુચિ તો આવે છે. પરંતુ તે વૈરાગ્ય અને વિવેક વગરની હોવાથી કાયમ ટકતી નથી. બધું વેદમાંથી જ નીકળ્યું છે પરંતુ વેદોની
ભાષા ગૂઢ હોવાથી તે સામાન્ય મનુષ્યોની સમજમાં આવતી નથી. કળીયુગમાં તો શ્રીકૃષ્ણની કથા અને શ્રીકૃષ્ણના કીર્તનથી જ
જ્ઞાન-વૈરાગ્ય જાગૃત થાય છે.
જ્ઞાન-વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. નારદજી ચિંતામાં પડયા, તે વખતે આકાશવાણી થઇ કે તમારો પ્રયત્ન ઉત્તમ છે.
જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરી તમે કાંઈક સત્કર્મ કરો. પણ હું શું સત્કર્મ કરું? આકાશવાણીએ કહ્યું કે સંતો તમને
સત્કર્મ બતાવશે.
નારદજી અનેક સાધુસંતોને કહે છે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટિ મળે તેવો ઉપાય બતાવો. પણ કોઇ નિશ્ચિત
ઉપાય બતાવી શકયા નહિ. તેથી નારદજી ચિંતામાં પડયા કે મને નિશ્ર્ચિત ઉપાય બતાવનાર સંત કયાં મળશે? શું સાધન
બતાવશે? એનો વિચાર કરતાં નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનકાદિ મુનિઓને તેમણે જોયા. સનકાદિ
ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીએ સનતકુમારોને બધી કથા કહી સંભળાવી. નારદજી કહે છે, જે દેશમાં હું જન્મ્યો તે
દેશને ઉપયોગી ન થાઉં તો મારૂં જીવન વૃથા છે. આપ બતાવો, હું શું સત્કર્મ કરું?
સનકાદિ મુનિઓ કહે છે:-દેશના દુઃખે તમે દુઃખી છો. તમારી ભાવના દિવ્ય છે. ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઈચ્છા
છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૫
તમે ભાગવતજ્ઞાનયજ્ઞનું પારાયણ કરો, તમારી ઇચ્છા પૂર્ણ થશે. તમે ભાગવતજ્ઞાનયજ્ઞ કરો અને તેનો પ્રચાર કરો તેથી
લોકોનું કલ્યાણ થશે. આ કથાના શ્રવણથી જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થશે. ભાગવતની કથા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને
વધારનારી છે.
વેદનું પારાયણ કરવું સારું છે, પણ વેદનો અર્થ જલદી ધ્યાનમાં આવતો નથી. તેથી સર્વ વેદોનો સાર જેવો આ
ભાગવતજ્ઞાનયજ્ઞ કરો.
ભાગવત કથામૃતનું પાન કરવા ત્યાંથી તેઓ ગંગાકિનારે આવ્યા. શુદ્ધ ભૂમિમાં સાત્ત્વિક ભાવ જાગે છે. ભૂમિની અસર
સૂક્ષ્મ રીતે મન ઉપર થાય છે. ભોગભૂમિ ભક્તિમાં બાધક છે. ગંગા જ્ઞાનભૂમિ છે. માટે આજ્ઞા કરી છે કે ગંગા કિનારે ચાલો.
નારદજી સનતકુમારો સાથે આનંદવનમાં આવ્યા. નારદજી હાથ જોડીને બેઠા. ત્યાં ઋષિમુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા
આવ્યા. જે નહોતા આવ્યા તે એક એકના ઘરે ભૃગુઋષિ ગયા અને વિનયથી વંદન કરી મનાવીને કથામાં લઇ આવ્યા. સત્કર્મ માં
બીજાને પ્રેરણા આપે તેને પુણ્ય મળે છે.
જયશબ્દો નમ:શબ્દ: શઙ્ખશબ્દસ્તથૈવ ચ ।
ચૂર્ણલાજાપ્રસૂનાનાં નિક્ષેપ: સુમહાનભૂત્ ।। ભા.મ.અ.3.શ્ર્લો.૨૧.
કથાના આરંભમાં જય જયકાર કરે છે. અને હરયે નમ: નો શબ્દોચાર કરે છે. આ મહામંત્ર છે.
બધી પ્રવૃતિ છોડીને મનુષ્ય ધ્યાનમાં બેસે છે, ત્યારે પણ માયા વિઘ્ન કરે છે. અનાદિકાળથી મનુષ્યોનું માયા સાથે યુદ્ધ
થતું આવ્યું છે. જીવ ઇશ્વર પાસે જાય તે માયાને ગમતું નથી. માયાનું એક સ્વરૂપ નથી. ઇશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ
વ્યાપક છે. જીવ ઇશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે.
માયા મનને ચંચળ બનાવે છે. માયા મનુષ્યને સમજાવે છે કે સ્ત્રી, બાળક, સંપત્તિ વગેરેમાં જ સુખ છે. મનુષ્યને માયા
હરાવે છે. મનુષ્યની હાર અને માયાની જીત થાય છે. કારણ મનુષ્ય ભગવાનનો જય જયકાર કરતો નથી. કથા અને ભજનમાં
ઇશ્વરનો પ્રેમથી જય જ્યકાર કરવો. માયાની હાર થાય અને મારી જીત થાય. પ્રભુનો જય જયકાર કરો. તમારી પણ જય થશે. જીત
થશે. ભૂખ તરસને ભૂલશો નહિ તો પાપ થશે. ભૂખ તરસને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે, પરીક્ષિતની બુદ્ધિ ભૂખ
તરસે જ બગાડેલી.