પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ગોકર્ણ તે પછી ઘરે આવ્યા ત્યાં તેમણે રાત્રે કોઇના રુદનનો અવાજ સાંભળ્યો.
મનુષ્ય પાપ કરે છે ત્યારે હસે છે. પાપની સજા ભોગવવાનો વખત આવે છે ત્યારે તે રડે છે.
એક જ માબાપના પુત્ર હોવા છતાં ગોકર્ણ દેવ થયા અને ધુંધુકારી પ્રેત બન્યો. દેવ થવું કે પ્રેત થવું તે તમારા હાથમાં છે.
ગોકર્ણ પૂછે છે:-તું કોણ છે? તારી આ દશા કેમ થઈ? તું ભૂત, પિશાચ કે રાક્ષસ છે?
પ્રેત બોલ્યું:- હું તમારો ભાઈ ધુંધુકારી છું. મેં બહુ પાપો કર્યા છે. તેથી મારી આ દશા થઈ છે. મને પ્રેતયોનિ મળી છે.
મને બંધન માંથી છોડાવો.
ગોકર્ણ:-તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન કર્યુ, તેમ છતાં તું પ્રેતયોનિથી મુક્ત કેમ ન થયો?
પ્રેત બોલ્યું:-ગયાશ્રાદ્ધશતેનાપિ મુક્તિર્મે ન ભવિષ્યતિ ।
સેંકેડો ગયા શ્રાદ્ધ કરો પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાદ્ધ ઉદ્ધાર કરી શકે નહિ.
ગોકર્ણ: સ્તમ્ભનં ચક્રે સૂર્યવેગસ્ય વૈ તદા ।।
તુભ્યં નમો જગત્સાક્ષિન્ બ્રૂહિ મે મુક્તિહેતુકમ્ ।
ગોકર્ણે પૂછ્યું:-તને સદ્ગતિ કેવી રીતે મળશે? શું કરવું? આ માટે હું આવતી કાલે સૂર્યનારાયણને પૂછી જોઈશ. બીજા
દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને અર્ધ્ય આપે છે. અર્ધ્ય આપી સૂર્યનારાયણને કહે છે, મહારાજ! ઊભા રહો. સૂર્યનારાયણ ઊભા રહ્યા
છે. આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે. બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કદી ન છોડે. ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી. દરિદ્રી રહેતો
નથી.
સૂર્યનારાયણે પૂછયું-કેમ? મારું શું કામ છે?
ગોકર્ણ:-મારા ભાઈનો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો.
સૂર્યનારાયણ:-તમારા ભાઈને સદ્ગતિ મળે તેવી ઇચ્છા હોય, તો ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ
શ્રાદ્ધથી ન થાય, તેને ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવતશાસ્ત્ર છે. ભાગવતથી મુક્તિ મળી શકે છે.
ધુંધુકારીને પ્રેતયોનિમાંથી છોડાવવા ગોકર્ણે ભાગવત સપ્તાહ પારાયણ કર્યું, ધુંધુકારી ત્યાં આવ્યો. તેને બેસવાની જગ્યા
મળી નહિ એટલે સાત ગાંઠવાળા વાંસમાં તેણે પ્રવેશ કર્યોં. રોજ એક એક એમ વાંસની સાત ગાંઠો તૂટી. સાતમે દિવસે
પરીક્ષિતમોક્ષની કથા કહી. વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરી તે બોલ્યો. ભાઈ તેં પ્રેતયોનિમાંથી મારી
મુક્તિ કરી છે. ધન્ય છે ભાગવત કથાને.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૩
જડ વાંસની ગાંઠો તૂટી જાય તો ચેતનની ગાંઠ ન તૂટે? ન છૂટે? લગ્નમાં પણ બે જણની ગાંઠ બાંધવામાં આવે છે.
પતિપત્નીનો સ્નેહ એ ગાંઠ છે. તે છૂટવો કઠણ છે. પરમાત્માની સેવા કરવા એકબીજાને સાથ આપ્યો છે તેમ માની પતિપત્ની વર્તે
તો સુખી થાય.
વાંસમાં એટલે વાસનામાં ધુંધુકારી રહ્યો હતો, વાંસની સાત ગાંઠો એટલે વાસનાની સાત ગાંઠો. વાસના જ પુર્નજન્મનું
કારણ બને છે. તેથી વાસનાનો નાશ કરો, વાસના ઉપર વિજય એ જ સુખી થવાનો ઉપાય છે, માર્ગ છે. મનુષ્યનો મોહ છૂટતો
નથી.
સાત પ્રકારની વાસના અથવા આસક્તિ:-(૧) સ્ત્રીમાં આસક્તિ (પતિ-પત્નીની આસક્તિ) (૨) પુત્રમાં આસક્તિ
(પિતા-પુત્રની આસક્તિ) (3) ધંધામાં આસક્તિ (૪) દ્રવ્યમાં આસક્તિ (૫) કુટુંબની આસક્તિ (૬) ઘરની આસક્તિ (૭)
ગામની આસક્તિ, આ આસક્તિઓનો ત્યાગ કરો.
શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાને સાત ગાંઠ કહી છે. આ સાત ગાંઠોમાં જીવ છે, તેમાંથી
તેને છોડાવવો છે.
વાંસ એ વાસનાનું સ્વરૂપ છે. જીવ વાસનામાં રહેલો છે, જીવમાં જીવભાવ વાસનામાંથી આવ્યો છે. તે નિષ્કામમાંથી
સકામ બન્યો. આ વાસનાઓની ગ્રંથીઓને ન છોડે, ત્યાં સુધી તેનામાંથી જીવભાવ જતો નથી.
ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ તૂટે છે. ભાગવત કથાથી આ ગાંઠો તૂટે છે, પ્રભુ પ્રત્યે પ્રેમ વધે
એટલે આ આસક્તિઓની ગાંઠ છૂટી જાય. ભગવાનના નામનો જપ કરશો. તે એકલો જ સાચો છે એમ માંની નિત્ય તેનું સ્મરણ
કરશો, તો વાસનાની ગાંઠ છૂટશે.