પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભાગવતનો અર્થ જ્ઞાનપરક અને ભક્તિપરક થઈ શકે છે.
તેથી સગુણ અને નિર્ગુણ બંનેની જરૂર છે. ઇશ્વર અરૂપ છે પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે, તેવું
સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણરૂપે પ્રભુ સર્વત્ર છે, અને
સગુણરૂપે મારા શ્રીકૃષ્ણ ગોલોકમાં બિરાજેલા છે. ઇષ્ટદેવમાં સોટકા વિશ્વાસ રાખી જગતના જડચેતન પદાર્થોમાં પ્રભુ રહેલા છે
તેવો વિશ્વાસ રાખો. મંગલાચરણનો સગુણપરક તેમજ નિર્ગુણપરક અર્થ થઈ શકે છે.
ક્રિયા અને લીલામાં તફાવત છે. પરમાત્મા જે કરે તેનું નામ લીલા અને જીવ જે કરે તેનું નામ ક્રિયા. ક્રિયા બંધનરૂપ છે.
કારણ તેની પાછળ કર્તાને આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. ઈશ્વરની લીલા બંધનમાંથી છોડાવે છે. કારણ ઇશ્વરને સ્વાર્થ
તથા અભિમાનનો સ્પર્શ થતો નથી. જે કાર્યમાં કર્તૃત્વનું અભિમાન નથી તે લીલા. કેવળ જીવોને પરમાનંદનું દાન કરવા માટે પ્રભુ
લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી, રાસ સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રીકૃષ્ણ માખણની ચોરી કરે તે મિત્રો માટે, પોતા
માટે નહિ. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે લોકવત્તુ લીલા કૈવલ્યમ્ । દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવો
સમાન લીલા કરે છે.
જગતની ઉત્પત્તિ એ લીલા છે. સ્થિતિ એ પણ લીલા છે. અને વિનાશ એ પણ લીલા છે.
વિનાશમાં પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટા “હું”છું. “હું”નો નાશ થતો નથી. જ્ઞાની પુરુષ “હું” નો વિનાશ ન થાય તેને
પણ લીલા કહે છે. “હું” ઈશ્વરનો અંશ છું. પણ આ “હું” અહંકારમાં પરિણમવું ન જોઇએ.
ગાંધારીને શ્રીકૃષ્ણ મળવા આવે છે. ગાંધારીએ શાપ આપ્યો છે. મારા વંશમાં તેં એક પણ રહેવા દીધો નથી. જા, તારા
વંશમાં પણ કોઈ રહેશે નહીં. પણ શ્રીકૃષ્ણ તેથી ખુશ થાય છે. તેઓ કહે છે માં, હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૯
રીતે કરવો. સારું થયું તમે શાપ આપ્યો. શાંતાકારમ્ ભુજગશયનમ્ સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્માને શાંતિ
છે. લોકોને પલંગ શયન, પથારી શયન કરવા મળે તો પણ શાંતિ નથી. શ્રીકૃષ્ણની શાંતિ કેવી છે? લય એ પણ ભગવાનની લીલા
છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી.
જે પ્રભુએ બ્રહ્માજીને વેદતત્ત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર કરનાર પરમાત્માનું અમે ધ્યાન ધરીએ
છીએ. આદિકવિ બ્રહ્માને જે દિવ્યજ્ઞાન નારાયણે આપ્યું છે, તેનું ધ્યાન કરીએ છીએ.
ભગવાનના ધ્યાનમાં તન્મયતા ન થાય તો સંસારનું ધ્યાન થશે. તે છોડવાનો પ્રયત્ન કરો. ધ્યાનની શરૂઆતમાં સંસાર
દેખાય છે. પ્રત્યેક સાધકને એવો અનુભવ થાય છે. ઈશ્વરનું ધ્યાન ન થાય તો કંઈ વાંધો નથી. પણ સંસારને, કોઇ સ્ત્રીને જરૂર
ધ્યાનમાં લાવશો નહિ.
દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા ઉપર બેસવાનો રિવાજ જગતની વાતો કરવા માટે નહિ, પણ
ધ્યાન ધરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપનાં દર્શન કર્યાં હોય તે સ્વરૂપનું, ઓટલા ઉપર બેસી ધ્યાન ચિંતન કરવાનું છે. વ્યાસજી
આરંભમાં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કાર્યમાં અનેક વિઘ્ન આવે છે. શ્રીકૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવાથી તે વિઘ્નનો નાશ
થાય છે.
વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે સત્યં પરં ધીમહિ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ
શ્રીકૃષ્ણનું ધ્યાન કરું છું એમ કેમ ન લખ્યું? અને સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું એમ કેમ લખ્યું? શ્રીકૃષ્ણનું ધ્યાન કરું
છું એમ લખ્યું હોત તો શિવભક્તો, દત્તાત્રેયના ભક્તો, દેવીના ભક્તો વગેરે એમ માનત કે ભાગવત શ્રીકૃષ્ણ ભક્તજનો માટેનો જ
ગ્રંથ છે.
વ્યાસજીએ કોઇનું વિશિષ્ટ રીતે નામ આપી ધ્યાન ધરવાનું કહ્યું નથી. પણ સત્યસ્વરૂપ પરમાત્માનું ઘ્યાન ધરવાનું કહ્યું છે. જેને
જે સ્વરૂપ ગમે તેનું તેણે ધ્યાન ધરવું.