પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
એક સખી ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ! તું કોનો સંદેશો લઇને આવ્યો છે? કૃષ્ણનો? તે તો અત્રે હાજર છે. ઉદ્ધવ! લોકો કહે
છે કે શ્રીકૃષ્ણ મથુરા ગયા, પણ તે ખોટું છે. મારા ઠાકોરજી હંમેશાં મારી સાથે છે. ચોવીસ કલાક અમારો નિત્ય સંયોગ છે.
ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ભગવાનને ખેંચી લાવે છે.
ઠાકોરજીને નિત્ય સાથે રાખશો, તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો.
તુકારામ તેથી તો કહે છે:-ભલે મને ભોજન ન મળે પણ ચોવીસ કલાકમાં એક ક્ષણ પણ હે પ્રભુ, હે વિઠ્ઠલનાથ! મને
તમારાથી અલગ ન કરશો.
ભગવાન ઉદ્ધવને કહે છે:-ઉદ્ધવ! મારી ગોપીઓ મારામય ચિત્તવાળી મદર્થે ત્યકત દેહિકા છે.
ગોપીઓનો આદર્શ આંખ સમક્ષ રાખી ભગવાનની ભક્તિ કરો. સુદામાની નિષ્કામ ભક્તિ યાદ રાખી, તેવી ભક્તિ કરો.
સુદામા અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કેળવો. સુદામાની નિષ્કામ ભક્તિ હતી. તમારું સર્વસ્વ ભગવાનને અર્પણ
કરો, તો ભગવાન પણ પોતાનું સર્વસ્વ તમને આપશે. ભક્તિ નિષ્કામ હશે, તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે. અને તેથી જ
નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે.
નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓનો શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે ગોપીઓને
મુક્તિની પણ ઇચ્છા ન હતી. શ્રીકૃષ્ણનું સુખ એ જ મારું સુખ એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક સખીએ ઉદ્ધવને સંદેશો
આપ્યો કે શ્રીકૃષ્ણ વિયોગમાં અમારી દશા કેવી છે તેનો ઉદ્ધવજી આપે અનુભવ કર્યો છે. મથુરામાં ગયા પછી શ્રીકૃષ્ણને કહેજો:-
આપ મથુરામાં આનંદમાં બિરાજતા હો તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહિ. અમારો પ્રેમ જાતે સુખી થવા
માટે નહિ, પરંતુ શ્રીકૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રીકૃષ્ણના વિયોગમાં અમે દુ:ખી છીએ, વિલાપ કરીએ છીએ પરંતુ અમારા
વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો સુખી રહે. અમારા સુખ માટે તેઓ અહીં ન આવે, પરંતુ જો તેમને ઈચ્છા થાય અને આવવું
હોય તો ભલે આવે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૩
બીજાના સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે. શાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ-સૂત્રમાં લખ્યું છે:-તત્સુખે સુખિત્વમ્ પ્રેમ
લક્ષણમ્
ધન્ય છે વ્રજભક્તોને, તે શ્રીકૃષ્ણને મથુરામાં મળવા ગયા નથી. ગોપી પ્રેમમાં પાગલ બને છે, ત્યારે અનુભવ કરે છે કે
શ્રીકૃષ્ણ મારી સાથે છે. એક સખી વિચારે છે, હું ત્યાં મળવા જઇશ. પણ હું મળવા જાઉં અને ઠાકોરજીને કાંઇક પરિશ્રમ થાય તો?
તેઓને સંકોચ થાય તો? પરમાત્માનાં દર્શન કરતાં મને તો આનંદ થશે, પણ મને જોતાં મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ
ગામડાંની ગોવાલણો સાથે હું રમતો હતો. ના, ના, મારે મથુરા જવું નથી. મારા પ્રેમમાં જ કાંઈ ખામી હશે એટલે તેઓ મને છોડીને
ગયા છે. મારો પ્રેમ સાચો હશે તો જરૂર તેઓ ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ. તેથી શ્રીકૃષ્ણ કહે છે-મને
ગોકુળમાં ગોપીઓ સાથે જે આનંદ મળ્યો છે, તે દ્વારકામાં મળતો નથી. ગોપીઓનો પ્રેમ નિષ્કામ છે. ભગવાનનો આશ્રય લે તે
નિષ્કામ બને છે.
ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીપ્રેમનો મહિમા જોવા જેવો છે. શ્રીકૃષ્ણ એક
વખત માંદા પડયા, પ્રભુએ માંદા પડવાનું નાટક રચ્યું. કોઇ દવા સફળ થઈ નહિ ત્યારે પ્રભુએ વૈષ્ણવ ભક્તની ચરણ રજ દવા
તરીકે માંગી. કોઇ વૈષ્ણવ પોતાના ચરણની રજ આપે, તો ભગવાનનો રોગ સારો થાય. કૃષ્ણની પટરાણીઓ પાસે પદરજની
માંગણી કરવામાં આવી. બધી રાણીઓ આંચકો અનુભવે છે. પ્રાણનાથને ચરણરજ આપીએ તો, મોટું પાપ લાગે અને નરકમાં જવું
પડે. નરકમાં કોણ જાય? પદરજ આપીશું નહિ. બીજાઓ પાસે રજની માંગણી કરવામાં આવી, કોઇ તૈયાર ન થયું.
અંતે ગોપીઓ પાસે વાત લઇ જવામાં આવી. ગોપીઓએ વાત સાંભળી કે અમારા કૃષ્ણ માંદા છે. જો તેઓ સારા થતા
હોય, તો અમારા ચરણની રજ આપવા અમે તૈયાર છીએ. તેના બદલામાં અમને જે દુ:ખ ભોગવવાનું આવશે તે ભોગવીશું. જો
અમારો કનૈયો સુખી થતો હોય, તો અમે નરકની યાતનાઓ સહન કરવા પણ તૈયાર છીએ. ગોપીઓએ ચરણરજ આપી.
શ્રીકૃષ્ણનો રોગ સારો થયો. સાચા નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ.