પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
નિગમકલ્પતરોર્ગલિતં ફલં શુકમુખાદમૃતદ્રવસંયુતમ્ ।
પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા: ।।
કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનાર ઓછા છે. કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો જીવનમાં પણ ઉતારો. એકલા
શુશ્રુભિ: નહિ પણ કૃતિભિ: પણ બનો. એટલે જ કહ્યું કે જે સમયે સુકૃતિ પુરુષ આને સાંભળવાની ઈચ્છા કરે છે, તે જ સમયે
ઇશ્વર વિના વિલંબે એના હ્રદયમાં આવીને બંદી બની જાય છે. ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ અને નિર્મત્સર બને છે.
કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો, તો તે ઇશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. મનુષ્ય નિર્મત્સર ન બને ત્યાં સુધી તેનો ઉદ્ધાર
થતો નથી. જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી ભાવના તે તમારા માટે રાખશે. બીજા સાથે વેર કરનારો પોતાની સાથે વેર કરે
છે. કારણ સર્વના હ્રદયમાં ઈશ્વર રહેલા છે. ગીતામાં કહ્યું છે:-ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વ ક્ષેત્રેષું ભારત ।
પ્રાયેણાલ્પાયુષ: સભ્ય કલાવસ્મિન્ યુગે જના: ।
મન્દા: સુમન્દમતયો મન્દભાગ્યા હ્યુપદ્રુતા: ।।
નૈમિષારણ્યમાં અઠયાસી હજાર ઋષિઓનું બ્રહ્મસત્ર થયું છે. તે બ્રહ્મસત્રમાં એકવાર સૂતજી પધાર્યા છે. શૌનકજીએ
સૂતજીને પ્રશ્ન કર્યો, જીવમાત્રનું કલ્યાણ શાથી થાય તે કહો. કલ્યાણનું સુલભ અને સરળ સાધન બતાવો, મનુષ્ય માત્રનું
કલ્યાણ થાય તેવો કોઇ ઉપાય બતાવો. કળિયુગના શક્તિહીન માણસો પણ જે સાધના કરી શકે તે સાધન બતાવો. આ
કળિયુગના મનુષ્યો મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે, તેથી સાધન કઠણ હશે તો સાધના કરશે નહિ. કળિયુગના મનુષ્યો
ભોગી છે તેથી કળિયુગના મનુષ્યો મંદ બુદ્ધિવાળા કહ્યાં છે. કળિયુગના માનવી એવા ભોગી છે કે તે એક આસને બેસી આઠ કલાક
ધ્યાન કરી શકશે નહિ. કળિયુગના મનુષ્યો પોતાને ચતુર સમજે છે, પણ વ્યાસજી ના પાડે છે. સંસારના વિષયો પાછળ પડે તે
પ્રવીણ શાનો? શાસ્ત્ર તો કહે છે સો કામ છોડીને ભોજન કરો. હજાર કામ છોડીને સ્નાન કરો. લાખ કામ છોડીને દાન કરો અને કરોડ કામ
છોડીને પ્રભુનું સ્મરણ કરો. ધ્યાન કરો. સેવા કરો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૫
શતં વિહાય ભોક્તવ્યમ્ સહસ્રં સ્નાનમાચરેત્ ।
લક્ષં વિહાય દાતવ્યમ્ કોટિં ત્ત્યકત્વા હરિં ભજેત્ ।।
ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહિ, પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધાં કાર્યો કરો. કરોડ કામ છોડીને
પહેલું ભગવત સ્મરણ કરવું. કળિયુગના મનુષ્યોએ જે કરવાનું છે, તે કરતાં નથી અને જે ન કરવાનું છે તેને પહેલું કરે છે. એટલે
વ્યાસજીએ કળિયુગના મનુષ્યને મંદ બુદ્ધિવાળા કહ્યા છે.
વિસ્તાર પૂર્વક શ્રીકૃષ્ણ કથા આપ સંભળાવો. શ્રીકૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી, તેમ દર્શનમાં પણ તૃપ્તિ નથી. બેટ
દ્વારકાના શ્રીકૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે. દર્શન કરતાં તૃપ્તિ થતી નથી.
ભગવાનની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલાકથા સાંભળવામાં અમને કદી તૃપ્તિ થતી નથી.
વયં તુ ન વિતૃપ્યામ ઉત્તમશ્લોકવિક્રમે ।
યચ્છૃણ્વતાં રસજ્ઞાનાં સ્વાદુ સ્વાદુ પદે પદે ।।
કળિયુગમાં અધર્મ વધે છે, ત્યારે ધર્મ કોને શરણે જાય છે? પહેલા સ્કંધનો આ પહેલો અધ્યાય પ્રશ્નાધ્યાય છે.
સમુદ્રપાર કરવાવાળાને જેમ કર્ણધાર મળી જાય, તેમ આપ અમને મળ્યા છો. આપ અમારા કેવળ ભગવાન છો. એવી
રીતે પ્રેમથી કથા કહો, કે જેથી અમારા હ્રદય પીગળે. પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો.
પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી. જીવને પરમાત્માને મળવાની આતુરતા જાગે છે, ત્યારે
પ્રભુકૃપાથી સંત મળે છે. સ્વાદ ભોજનમા નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે, ત્યાં સુધી તેને સંત
મળે તો પણ તેને તેમાં સદ્ભાવ થતો નથી. સંતમા સદ્ભાવ થતો નથી તેનું એક જ કારણ છે, જીવને ભગવતદર્શનની ઈચ્છા જ
નથી.
વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ. તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.