પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
શ્રવણના ત્રણ પ્રધાન અંગો છે:-(૧) શ્રદ્ધા:-શ્રોતાએ એકાગ્રતાથી, શ્રદ્ધાથી કથા સાંભળવી જોઇએ.(૨) જિજ્ઞાસાપણું:-
શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઇએ. જિજ્ઞાસા ન હોય તો મન ઉપર કથાની અસર થશે નહિ. જાણવાની જિજ્ઞાસા ન હોય તો તેને કથા
શ્રવણથી વિશેષ લાભ થતો નથી.(૩) નિર્મત્સરતા:-શ્રોતાને જગતમાં કોઇ જીવ પ્રત્યે મત્સરભાવ ન હોવો જોઇએ. કથામાં દીન
થઇને જવું જોઇએ. પાપ છોડી મને ભગવાનને મળવાની તીવ્ર આતુરતા છે, એવી ભાવના કથામાં કરો તો શ્રીકૃષ્ણનાં દર્શન થાય.
પ્રથમ સ્કંધમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે.
એક મહાત્મા રામાયણની કથા કરતા હતા. કથા પૂરી થઈ. એક જણે મહાત્માને પૂછયું:-આપે કથા કહી પણ મને
સમજાયું નહિ કે રાવણ રાક્ષસ હતો કે રામ રાક્ષસ હતા.
મહાત્માએ કહ્યું:-રાવણ રાક્ષસ નહિ કે રામ પણ નહિ. રાક્ષસ તો હું છું કે જે તને સમજાવી શકયો નહિ.
પરમાત્માની કથા વારંવાર વાંચશો-સાંભળશો, ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે.
શૌનક મુનિએ સૂતજીને કહ્યું:-ભાગવત કથામાં અમને શ્રદ્ધા છે. તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોના પુણ્યનો ઉદય
થાય ત્યારે અધિકારીને વક્તાના મુખેથી કથા સાંભળવાની મળે છે.
શ્રવણભક્તિ પહેલી છે. રૂક્ષ્મણીએ પોતાના પત્રમાં લખ્યું છે, તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઇચ્છા થઇ.
શ્રુત્વા શબ્દ ત્યાં આવ્યો છે. ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે.
શ્રોતામાં વિનય હોવો જોઇએ તેમ વક્તામાં પણ વિનય હોવો જોઇએ. સૂતજી વિનય દાખવે છે. સૂતજીએ શ્રોતાઓને
ધન્યવાદ આપ્યા છે. સૂતજી કહે છે:-કથા સાંભળીને તમારે જે કરવું જોઇએ તે તો તમે કરો છો. તમે શાંતિથી શ્રવણ કરો છો.
તમારું મન ભગવાનમાં સ્થિર થાય છે. તમે જ્ઞાની છો, પ્રભુ-પ્રેમમાં પાગલ છો, પરંતુ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ર્ન કર્યો છે.
કથા કરી હું તો મારી વાણીને પવિત્ર કરીશ.
શિવમહિમ્ન સ્તોત્રમાં પુષ્પદન્તે પણ કહ્યું છે, શિવતત્ત્વનું કોણ વર્ણન કરી શકે? પણ હું તો મારી વાણીને પવિત્ર કરવા
બેઠો છું.
મમ ત્વેતાં વાણી ગુણકથન પુણ્યેન ભવત: ।
પુનામીત્યર્થેऽસ્મિન્ પુરમથન બુદ્ધિર્વ્યવસિતા ।।
આરંભમાં સૂતજી શુકદેવજીને વંદન કરે છે. તે પછી ભગવાન નારાયણને,
નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ્ ।
દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત્ ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૬
ભારતના પ્રધાન દેવ નારાયણ છે. શ્રીકૃષ્ણ ગોલોકમાં પધાર્યા છે, સર્વ અવતારોની સમાપ્તિ થાય છે. આ નારાયણની
સમાપ્તિ થઈ નથી અને થવાની નથી. ભારતની પ્રજાનું કલ્યાણ કરવા તે આજે તપશ્ચર્યા કરે છે.
શ્રી શંકરાચાર્ય નર-નારાયણનાં દર્શન કરે છે. શ્રી શંકરાચાર્યે દર્શન કર્યાં. પછી કહ્યું કે હું તો મહાન યોગી, તેથી આપનાં
દર્શન કરી શકયો. પણ કળિયુગના ભોગી માણસો પણ આપનાં દર્શન કરી શકે તેવી કૃપા કરો. ભગવાને તે વખતે આદેશ કર્યોં,
બદ્રિનારાયણમાં નારદ કુંડ છે, ત્યાં સ્નાન કરો. ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે તેની સ્થાપના કરો. બદ્રિનારાયણ ભગવાનની
સ્થાપના શંકર સ્વામીએ કરી છે. શંકરાચાર્યનો પહેલો ગ્રંથ છે, વિષ્ણુસહસ્ર નામની ટીકા.
મનથી માનસદર્શનનું પુણ્ય બહુ લખ્યું છે. મનથી નારાયણને પ્રણામ કરો. જે જાય બદરી તેની કાયા સુધરી.
બદ્રિનારાયણમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. તપશ્ર્ચર્યામાં સ્ત્રી, દ્રવ્યનો, બાળકનો સંગ બાધક છે. નારાયણે
લક્ષ્મીજીને કહ્યું કે તમે બહાર બેસીને ધ્યાન કરો. હું અંદર બેસીને ધ્યાન કરીશ.
એક ભક્તે બદ્રિનારાયણના પૂજારીને પૂછ્યું:-આવી સખત ઠંડીમાં ઠાકોરજીને ચંદનની પૂજા કેમ કરો છો? પૂજારીએ
કહ્યું:-અમારા ઠાકોરજી તપશ્ર્ચર્યા ખૂબ કરે છે. તેથી શક્તિ વધે છે. એટલે ઠાકોરજીને ગરમી બહુ થાય છે. એટલે ચંદનથી પૂજા
કરવામાં આવે છે.