પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સૂતજી સરસ્વતીને, વ્યાસજીને વંદન કરે છે. તે પછી સૂતજી કથાનો આરંભ કરે છે,
સ વૈ પુંસાં પરો ધર્મો યતો ભક્ત્તિરધોક્ષજે ।
અહૈતુક્યપ્રતિહતા યયાડડત્મા સમ્પ્રસીદતિ ।।
જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય એ ધર્મ. મનુષ્યોને માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી હોવી જોઈએ કે જેમાં
કોઈ પ્રકારની કામના ન હોય, અને જે નિત્યનિરંતર થાય. આવી ભક્તિથી હ્રદય આનંદ રૂપ પરમાત્માની પ્રાપ્તિ કરીને કૃતકૃત્ય થઈ
જાય છે.
સૂતજી કહે છે:-જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી છે. અંશીથી અંશ વિખૂટો પડયો છે, તેથી તે દુ:ખી છે. તે અંશ,
અંશીમાં એટલે કે ઇશ્ર્વરમાં મળી જાય તો જીવ કૃતાર્થ થાય. ભગવાન તો કહે છે, મમૈવાંશો જીવલોકે:-તું મારો અંશ છે. તું મને
મળીને કૃતાર્થ થઇશ.
નર એ નારાયણનો અંશ છે. અંશ (નર) નારાયણ અંશીને ન મળે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. મેં આ સિદ્ધાંત
નક્કી કર્યો છે કે મારા પરમાત્માનો આશ્રય કરી, મારે તેની સાથે એક થવું છે. કોઈ પણ રીતે ઇશ્વર સાથે એક થવાની જરૂર છે.
જ્ઞાનીઓ જ્ઞાનથી અભેદ સિદ્ધ કરે છે. વૈષ્ણવ મહાત્માઓ પ્રેમથી અદ્વૈત સિદ્ધ કરે છે. પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈતમાં છે. ભક્ત અને
ભગવાન છેવટે એક થાય છે. ગોપી અને કૃષ્ણ એક છે.
જીવ ઇશ્વરથી કેમ વિખૂટો પડયો, તેની ચર્ચા કરવાની જરૂર નથી. જીવને ઇશ્વરનો વિયોગ થયો છે. એ સત્ય છે. આ
વિયોગ ક્યારથી અને કેમ થયો, તેની પંચાત કરવાની જરૂર નથી. તેથી લાભ નથી. ધોતિયાને ડાઘો પડયો હોય તો તે કયારે પડયો
અને કેમ પડયો તે વિચારવાથી ધોતિયું સ્વચ્છ થશે નહિ. તું તે ડાધ જ દૂર કર. તે પ્રમાણે જીવ ઇશ્વરને મળવા માટે જ પ્રયત્ન કરે
તે ઇષ્ટ છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૭
જીવ ભાગ્યશાળી ત્યારે બને કે જયારે તે નિર્ભય બને છે. જેને માથે કાળનો ભય છે તે નિર્ભય કયાંથી? ભાગ્યશાળી તે કે
જેને મૃત્યુનો ભય નથી. ધ્રુવ જેવા ભક્તોને, પાંડવોને ધન્ય છે, કે જેમને કાળ આધીન હતો.
ઇશ્વરને અપેક્ષા રહે છે, મનુષ્યને મન, બુદ્ધિ આપી તેનું તેણે શું કર્યું? મુત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન
શુદ્ધ છે, તેનો હિસાબ ચોખ્ખો છે. જીવને હિસાબ આપતાં બીક લાગે છે. ઈન્કમટેક્ષ ઓફિસરને એક-બે લાખનો હિસાબ આપવો
પડે છે, ત્યારે બીક લાગે છે, ત્યારે આખા જીવનનો હિસાબ માંગશે ત્યારે, શું દશા થશે તેનો વિચાર કર્યો છે કોઇ દિવસ?
અંતકાળે બીક લાગે છે, કરેલાં પાપોની યાદથી. મૃત્યુની બીક છે, ત્યાં સુધી શાંતિ નથી. કાળના કાળ ભગવાન જીવને
અપનાવે, તો ભગવાનનો નોકર કાળ તેનું કાંઇ કરી શકતો નથી.
ઉપનિષદ્ કહે છેઃ-જીવ અને ઈશ્વર સાથે બેઠા છે. છતાં જીવ ઇશ્વરને ઓળખી શકતો નથી. જીવ બહિર્મુખને બદલે
અંતર્મુખ બને તો તે અંતર્યામીને ઓળખી શકે છે.
એક મનુષ્યને જાણવા મળ્યુ કે ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણિ છે. પારસમણિ મેળવવા તે મનુષ્ય
સંતની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું કે હું ગંગાસ્નાન કરી આવું અને આવીને તને પારસમણિ આપીશ. સંત ગયા. પેલાનું મન
તલપાપડ થવા લાગ્યુ. સંતની ગેરહાજરીમાં આખી ઝૂંપડી ફેંદી વળ્યો. પરંતુ પારસમણિ હાથ ન લાગ્યો સંત પધાર્યા સંતે કહ્યું,
આટલી ધીરજ ન રાખી શકયો? પારસમણિ તો મેં દાબડીમાં મૂકી રાખ્યો છે. એમ કહી એક દાબડી નીચે ઉતારી, એ પારસમણિ
લોંખંડની દાબડીમાં હતો. પેલા મનુષ્યને શંકા ગઇ કે આ પારસમણિ લોખંડની દાબડીમાં છે, તેમ છતાં આ લોખંડની દાબડી
સોનાની કેમ ન થઈ? સાચેસાચ આ પારસમણિ હશે કે સંત મારી મશ્કરી કરે છે? તેમણે સંતને પૂછ્યું દાબડીમાં પારસમણિ હોવા
છતાં લોખંડની દાબડી સોનાની કેમ ન થઇ? સંતે સમજાવ્યું. તું જુએ છે ને કે પારસમણિ એક ચીંથરામાં બાંધેલો છે. કપડાંના
આવરણને લઈને પારસમણિ અને લોખંડનો સ્પર્શ થઇ શકતો નથી. એટલે દાબડી સોનાની કયાંથી થાય? દાબડી લોખંડની રહી
કારણ કે પારસમણિ ચીંથરામાં બાંધેલો હતો. ચીંથરાનું આવરણ હતું. તેવી રીતે જીવ અને ઇશ્વર હ્રદયમાં જ છે. પણ વાસનાના
આવરણને લઈને તેનું મિલન થતું નથી. એટલે કે જીવ ઇશ્વરને ઓળખી શકતો નથી અને મળી શકતો નથી.