પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
જીવાત્મા એ દાબડી છે. પરમાત્મા પારસમણિ છે. વચમાંનું ચીંથરું દૂર કરવાનું છે. અહંતા- મમતારૂપી ચીંથરું દૂર
કરવાનું છે.
અનેક વાર સાધકને સાધના કરતા કાંઈ સિદ્ધિ ન મળે, તો તેને સાધના પ્રત્યે ઉપેક્ષા જાગે છે. જીવ એ સાધક છે. સેવા
સ્મરણ એ સાધન છે. શ્રીકૃષ્ણ એ સાધ્ય છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી તે પુરુષોનો પરમ ધર્મ છે.
લોકો સમજે છે કે, ભક્તિમાર્ગ તદ્દન સહેલો છે. સવારમાં ભગવાનની પૂજા કરી એટલે બધું પતી ગયું? પછી તેઓ
ઈશ્ર્વરને આખા દિવસ માટે ભૂલી જાય છે. આ ભક્તિ નથી. ચોવીસ કલાક ઇશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ.
ભક્તિમાં આનંદ છે, પણ મનુષ્ય શરીરથી ભક્તિ કરે છે, મનથી ભક્તિ કરતો નથી. વાણી ભગવાનનાં નામનો ઉચ્ચાર
કરે, પણ મન ભગવાનનું સ્મરણ ન કરે તો તેનો વિશેષ કોઇ અર્થ નથી. મન સંસારના વિષયોમાં અને શરીર ઠાકોરજીની સેવામાં
હોય તો સેવામાં આનંદ આવશે નહિ. સેવામાં ક્રિયા મુખ્ય નથી. ભાવ મુખ્ય છે. સર્વ વિષયોને મનમાંથી હટાવો તો સેવામાં આનંદ આવશે.
ગતં પાપં ગતં દુ:ખં ગતં દારિન્દ્રમેવચ ।
આગતા સુખસંપત્તિ પુણ્યાચ તવ દર્શનાત્ ।।
સર્વેષામઅવિરોધેન બ્રહ્મકર્મ સમારભે ।
સેવા કરવા બેસો ત્યારે પ્રથમ એવી ભાવના કરો. સેવા કરવા છતાં પણ ભગવાનનાં દર્શન ન થાય તો આપણો જ દોષ
છે. સેવા કરનારને સેવા કરી રહ્યા પછી મારું દુ:ખ ગયું. મારું પાપ ગયું. મારું દારિદ્ર ગયું. હું કૃતાર્થ થયો, એવી ભાવના થવી
જોઈએ. સેવા કર્યા પછી આ ભાવ ન થાય તો સેવા-પૂજામાં આનંદ મળતો નથી.
સંસારના વિષયોને મનમાંથી નહીં હઠાવો ત્યાં સુધી સેવામાં આનંદ નહીં આવે. સેવા ક્રિયામાં નહીં, ભાવનામાં છે.
પરમાત્માની સેવા ત્યારે જ થશે જયારે સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો થશે.
પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળવવો હશે તો વિષયનો પ્રેમ છોડવો જ પડશે.
પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ન સમાય.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૮
ત્યાં બન્નેનો મેળ નથી. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મસંબંધ થતો નથી.
ધીરે ધીરે સંસારના વિષયોનો મોહ છોડી દેજો. સંસારને છોડીને ક્યાં જશો? સંસારને છોડવાની જરૂર નથી. વિષયોનો
મોહ છોડવાની જરુર છે.
વ્રતમાં ત્યાગ કરવાની આજ્ઞા આપી છે, તે કાયમના ત્યાગ માટે. કાયમનો ત્યાગ થતો નથી એટલે વ્રતની વિધિ બતાવી
છે. ધીરે ધીરે સંયમને વધારો. વૈરાગ્યને વધારો. ત્યારે ઈશ્વર સેવામાં, ધ્યાનમાં અનેરો આનંદ આવશે.
એક વખત એક ચોબાજી મથુરાથી ગોકુળ જવા નીકળ્યા. યમુનાજીમાં હોડી વાટે જવાનું હતું. ચોબાજી ભાંગના નશામાં
હતા. હોડીમાં બેઠા અને હલેસાં મારવા લાગ્યા. બાહુબળ ઉપર પૂર્ણ વિશ્ર્વાસ. બોલવા લાગ્યા, નાવ અભી પહુંચ જાયેગી. અભી
ગોકુળ આ જાયેગા. આખી રાત નાવ ચલાવી. સવાર પડયું. ચોબાજી વિચારવા લાગ્યા, આ મથુરા જેવું વળી કયું ગામ આવ્યું?
કોઈને પૂછયું, આ કયું ગામ? ઉત્તર મળ્યો મથુરા. એ જ વિશ્રામઘાટ અને એ જ મથુરા છે. નશો ઊતર્યો ત્યારે ચોબાજીને પોતાની
મૂર્ખતા સમજાઈ. ચોબાજીએ હલેસાં મારી નાવ ખૂબ ચલાવી પણ નાવ દોરીથી ઘાટ સાથે બાંધેલી હતી. નશાની અસરમાં નાવને
બાંધેલી દોરી છોડવાનું ભૂલી ગયેલાં. આખી રાત નાવ ચલાવી પણ હતા ત્યાંના ત્યાં રહ્યા.
હસો નહિ. તમને હસાવવા માટે કહેતો નથી. આ કથા ચોબાજીની નથી, આપણા સર્વની છે.
ઇન્દ્રિયસુખનો નશો દરેકને ચઢેલો છે. એક એક ઇન્દ્રિયસુખ ભોગવવાનો જીવને નશો ચડયો છે. સ્પર્શસુખ ભોગવવાનો
નશો ચડયો છે સંસારના વિષયસુખનો નશો ચડયો છે, પૈસાના નશામાં મનુષ્ય મંદિરમાં જાય છે. તે નશામાં ને નશામાં
ઠાકોરજીના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી તેને ભગવાનનાં દર્શનમાં આનંદ આવતો નથી. દુનિયાના વિષયો સુંદર
નથી, સુંદર એક જ પરમાત્મા છે. આ વાસનારૂપી દોરીથી વિષયોમાં બંધાયેલી ઈન્દ્રિયોને છોડાવવાની છે. વાસના કોઈ ને આગળ
વધવા દેતી નથી. વાસનારૂપી દોરીને ન છોડો, ત્યાં સુધી આગળ વધાતું નથી. વાસનારૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે
બંધાયેલી છે. આ ગાંઠને છોડવાની છે.